IPLના મેગા ઓક્શનની તારીખ થઇ જાહેર, બેંગલુરુમાં આ દિવસે થશે ખેલાડીઓની હરાજી


 


નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શનની તારીખ લગભગ નક્કી થઇ ગઇ છે. સૂત્રોના મતે IPL 2022નું મેગા ઓક્શન 11,12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં યોજાશે. BCCIના એક અધિકારીએ જણાવ્યું કે આઇપીએલની 15મી સીઝન માટે તમામ ટીમો પોતાના રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની યાદી જાહેર કરી ચૂકી છે. તે સિવાય જલદી આઇપીએલની બે નવી ટીમો લખનઉ અને અમદાવાદ પોતાની પ્રથમ ત્રણ ખેલાડીઓના નામની જાહેરાત કરશે.


આઇપીએલ 2022માં આઠના બદલે 10 ટીમો ભાગ લેશે. ગોયનકા ગ્રુપની લખનઉ ફ્રેન્ચાઇઝી સામેલ થશે. સીવીસી ગ્રુપને ગ્રીન સિગ્નલ મળ્યા બાદ અમદાવાદ પણ ભાગ લેશે. આઇપીએલ 2022નું આયોજન ભારતમાં જ થશે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડના સૂત્રોના મતે બોર્ડ મેગા ઓક્શન અગાઉ કોરોનાના દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી રહ્યું છે.


રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું હતું કે કોરોનાની સ્થિતિને જોતા ઓક્શન UAEમાં યોજાઈ શકે છે પરંતુ BCCI સૂત્રોના આધારે અત્યારે બોર્ડની આવી કોઈ યોજના નથી. IPLની આગામી સિઝનમાં સામેલ થનારી લખનઉ અને અમદાવાદની નવી ટીમો પાસે ડ્રાફ્ટમાંથી પસંદ કરાયેલા ત્રણ ખેલાડીઓની જાહેરાત કરવા માટે ક્રિસમસ સુધીનો સમય છે. BCCI તેમને વધુ સમય આપી શકે છે કારણ કે CVCને હજી મંજૂરી મળવાની બાકી છે.


 


લખનઉની ટીમે તાજેતરમાં જ એન્ડી ફ્લાવરને પોતાના હેડ કોચ બનાવ્યા છે. તે સિવાય પૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરને ટીમના મેન્ટર બનાવ્યા છે. આઇપીએલની ગત સીઝનમાં ચેન્નઇ સુપરકિંગ્સ વિજેતા બની હતી. ચેન્નઇએ ફાઇનલમાં કોલકત્તાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આઇપીએલમાં મેગા ઓક્શનમાં સૌથી વધુ રૂપિયા પંજાબ કિંગ્સ (72 કરોડ) પાસે છે. વળી રાજસ્થાન પાસે 62 કરોડ અને હૈદરાબાદ પાસે 68 કરોડ રૂપિયા બાકી છે. તેવામાં સૌથી ઓછા રૂપિયા દિલ્હી પાસે છે. તે ઓક્શનમાં 47.50 કરોડ રૂપિયા સાથે ઓક્શનમાં ઉતરશે.