CSK vs DC  Highlights: ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 27 રને હરાવ્યું છે. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીના ખેલાડીઓ માત્ર 140 રન જ બનાવી શક્યા હતા. ચેન્નાઈ તરફથી ધોનીએ 9 બોલમાં 20 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 25 રન અને ઋતુરાજ ગાયકવાડે 24 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ તરફથી મતિશા પથિરાનાએ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે દીપક ચહરે 2 વિકેટ લીધી હતી. દિલ્હી તરફથી રિલે રુસોએ 35 રનનું યોગદાન આપ્યું હતું.


વોર્નરનું ફોર્મ ચિંતાનો વિષય


168 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ચેન્નાઈ તરફથી પ્રથમ ઓવર માટે આવેલા દીપક ચહરે બીજા જ બોલ પર ડેવિડ વોર્નરને અજિંક્ય રહાણેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. દિલ્હીના કેપ્ટને બે બોલનો સામનો કર્યો અને ખાતું પણ ખોલી શક્યુો નહીં. ચહરે ઓફ સ્ટમ્પની બહાર બેક ઓફ લેન્થ બોલ ફેંક્યો, વોર્નર તેને કવર એરિયામાં ફટકારવા ગયો અને રહાણેએ સરળ કેચ પકડી લીધો.. ચહરે ત્રીજી ઓવરમાં દિલ્હીની બીજી વિકેટ લીધી હતી. 11 બોલમાં 17 રન બનાવનાર સોલ્ટ અંબાતી રાયડુના હાથે કેચ આઉટ થયો હતો.


પથિરાના તરફથી સરસ બોલિંગ


દિલ્હીની ત્રીજી વિકેટ ચોથી ઓવરના પ્રથમ બોલ પર પડી હતી. મિશેલ માર્શ 5 રને રનઆઉટ થયો હતો. આ પછી મનીષ પાંડે અને રિલે રુસો વચ્ચે ચોથી વિકેટ માટે 59 રનની ભાગીદારી થઈ હતી. મતિષા પથિરાનાએ 13મી ઓવરના છેલ્લા બોલ પર આ ભાગીદારીને તોડી હતી. તેણે મનીષ પાંડેને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. પાંડેએ 29 બોલમાં 27 રન બનાવ્યા હતા. 15મી ઓવરમાં જાડેજાએ રુસોને પથિરાનાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રુસોએ 37 બોલમાં 35 રનની ધીમી ઇનિંગ રમી હતી.


અક્ષરે 21 રન બનાવ્યા હતા


18મી ઓવરમાં પથિરાનાએ અક્ષર પટેલને પેવેલિયન મોકલ્યો હતો. તેણે 12 બોલમાં 21 રનની ઇનિંગ રમી હતી. રહાણેએ અક્ષરનો કેચ લીધો હતો. રિપલ પટેલ 19મી ઓવરના 5માં બોલ પર રનઆઉટ થયો હતો. તેણે 16 બોલમાં 9 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં પથિરાનાએ લલિત યાદવને ક્લીન બોલ્ડ કર્યો હતો. લલિતે 5 બોલમાં 12 રન બનાવ્યા હતા. અમાન ખાન 2 રન બનાવીને અણનમ રહ્યો હતો. ચેન્નાઈ તરફથી પથિરાનાએ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે દીપક ચહરે 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી.