MS Dhoni: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર આવે ત્યારે ચાહકો તેને ચોક્કસપણે જોવા માટે આવે છે. પછી ભલે તે મોટી મેચ હોય કે નેટ પર પ્રેક્ટિસ સેશન હોય.  જ્યારથી એમએસ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે ત્યારથી તેના ચાહકો આઈપીએલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે કારણ કે નિવૃત્તિ બાદ ધોની માત્ર આઈપીએલમાં જ બેટિંગ કરતો જોવા મળે છે. આઇપીએલ 2023 શરૂ થવાને એક મહિના જેટલો સમય બાકી છે. આવી સ્થિતિમાં ધોનીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેના ફોટો-વિડિયોએ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.






આજે મહેન્દ્ર સિંહ ધોની પોતાની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે નેટમાં પ્રેક્ટિસ કરવા આવ્યો હતો. તેણે થોડી બેટિંગ પ્રેક્ટિસ કરી અને કેટલીક સારી ડ્રાઇવ પણ ફટકારી હતી. ધોનીના પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો તેની ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીના પ્રેક્ટિસનો વીડિયો રિટ્વીટ કરીને ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.


એક ફેન્સે લખ્યું હતું કે તે ફરીથી તે મોટી સિક્સ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું કે કૃપા કરીને એવું ન કહો કે આ ધોનીની છેલ્લી સીઝન હશે.


આ વખતે મહેન્દ્ર સિંહ ધોની ઘણા વર્ષો પછી તેના IPL હોમ ગ્રાઉન્ડ એટલે કે ચેન્નઈના ચેપોકમાં રમતો જોવા મળશે. આ વખતે પણ ધોની CSKની કેપ્ટનશીપ સંભાળી શકે છે. નોંધનીય છે કે IPLની છેલ્લી સિઝનમાં ધોનીએ કેપ્ટનશિપની જવાબદારી રવિન્દ્ર જાડેજાને સોંપી હતી, પરંતુ સતત હાર બાદ ધોનીએ ફરીથી કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.


છેલ્લી IPL સિઝન ચેન્નઈ માટે સારી રહી ન હતી. આ વખતે ચેન્નઈની ટીમ પણ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમશે. આવી સ્થિતિમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આ વખતે પણ જોરદાર વાપસી કરી શકે છે.