IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન શરૂ થાય તે પહેલા જ ટીમોએ ટ્રેડિંગ દ્વારા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવાનું શરૂ કરી દીધું છે. હરાજી પણ આવતા મહિને યોજાવાની છે અને તે પહેલા ટીમો એકબીજાની વચ્ચે ખેલાડીઓની આપ-લે કરી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ટ્રેડિંગ દ્વારા ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સના બે ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. કોલકાતાએ ટ્રેડિંગ માટે બે શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરી છે અને આ બંને ખેલાડીઓ આગામી સિઝનમાં તેમના માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.






કોલકાતાએ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને સામેલ કર્યો છે. ફર્ગ્યુસને ગત સિઝનમાં ગુજરાત માટે 13 મેચમાં 12 વિકેટ ઝડપી હતી અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અગાઉ તે કોલકાતા માટે જ રમી રહ્યો હતો પરંતુ છેલ્લી સિઝનમાં ટીમે તેને છોડ્યો અને ગુજરાતે તેને 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.  અફઘાનિસ્તાનનો વિકેટ કીપર-બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ પણ કોલકાતા સાથે જોડાયો છે.






ગત સિઝનમાં ગુરબાઝને આઈપીએલની કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો પરંતુ ગુજરાતે તેને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જેસન રોય IPLમાંથી બહાર થયા બાદ ગુજરાત દ્વારા ગુરબાઝને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી.


16મી ડિસેમ્બરે બેંગ્લોરમાં હરાજી થશે


IPL 2023 ની હરાજી 16 ડિસેમ્બરે બેંગ્લોરમાં થવાની છે. ટૂર્નામેન્ટનું હોમ અને અવે ફોર્મેટ ત્રણ વર્ષ પછી પરત ફરશે. આ વર્ષે તમામ ટીમો એક મેચ ઘરે અને એક મેચ બહાર રમશે. આ ફોર્મેટ શરૂઆતથી જ ચાલી રહ્યું છે, પરંતુ કોરોનાને કારણે 2019થી આ ફોર્મેટ સાથે ટૂર્નામેન્ટ રમી શકાઈ નથી. IPL 2022ની મેગા ઓક્શનમાં ટીમોને 90 કરોડ રૂપિયાનું સેલેરી પર્સ મળ્યુ હતુ પરંતુ આ વર્ષની હરાજીમાં તે વધારીને 95 કરોડ રૂપિયા થઈ શકે છે.