IPL 2024 13th Match CSK vs DC Highlights: IPL 2024માં દિલ્હી સામેની મેચમાં ધોની પહેલીવાર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. દિલ્હીના ફાસ્ટ બોલર મુકેશ કુમારે મેચમાં પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. મુકેશે ધોની અને જાડેજાની સામે 19મી ઓવરમાં માત્ર 5 રન જ ખર્ચ્યા અને ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. આ મેચમાં ચેન્નાઈને 20 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
IPL 2024ની 13 નંબરની મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 191/5 રન બનાવ્યા હતા. ટીમ માટે ડેવિડ વોર્નરે સૌથી મોટી 52 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન રિષભ પંતે 51 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ટાર્ગેટનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 171/6ના સ્કોર સુધી જ પહોંચી શકી હતી. રહાણેએ ટીમ માટે સૌથી મોટી 45 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય આઠમા નંબરે આવેલા એમએસ ધોનીએ ચાહકોનું દિલ જીતી લીધું હતું અને 16 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 37* રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તે ચેન્નાઈને વિજયી રેખા પાર કરવામાં મદદ કરી શક્યો નહોતો.
આવી રહી ચેન્નાઈની ઇનિંગ્સ
192 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે પહેલી જ ઓવરમાં કેપ્ટન રુતુરાજ ગાયકવાડ (01)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ત્રીજી ઓવરમાં રચિન રવિન્દ્ર 12 બોલમાં માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ખલીલ અહેમદે બંને ઓપનરને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી, અજિંક્ય રહાણે અને ડેરિલ મિશેલે ત્રીજી વિકેટ માટે 68 (45 બોલ)ની ભાગીદારી કરી, જે 11મી ઓવરમાં મિશેલની વિકેટ સાથે તુટી ગઈ. મિશેલે 26 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 34 રનની ઇનિંગ રમી હતી.
આ પછી ચેન્નાઈને 14મી ઓવરના ત્રીજા બોલ પર અજિંક્ય રહાણેના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો હતો. રહાણેએ 30 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 45 રનની ઇનિંગ રમી હતી. રહાણે બાદ મુકેશ કુમારે સમીર રિઝવીને બીજા જ બોલ પર ગોલ્ડન ડક માટે પેવેલિયન મોકલ્યો હતો. આ રીતે ચેન્નાઈએ 13.4 ઓવરમાં 102 રનના સ્કોર પર 5મી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ટીમને 17મી ઓવરમાં શિવમ દુબેના રૂપમાં છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. દુબેએ 1 ચોગ્ગાની મદદથી 18 (17 બોલ)ની ઇનિંગ રમી હતી. આ પછી ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની ક્રિઝ પર આવ્યો. ધોનીએ 37* રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેની સાથે બીજા છેડે હાજર રહેલા રવિન્દ્ર જાડેજાએ 17 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 21* રન બનાવ્યા હતા.