મુંબઈ ઈન્ડિયન્સ શુક્રવારે 2021 સીઝનની છેલ્લી લીગ મેચ હૈદરાબાદ સામે રમી રહી છે. જેમાં રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 235 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે શાનદાર ઈનિંગ રમી હતી.  મુંબઈ ઈન્ડિયન્સ હવે પ્લે-ઓફ રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેને અંતિમ-4 માં પહોંચવા માટે 171 રન કે તેથી વધુથી મેચ જીતવાની જરૂર હતી.


મુંબઈના ઓપનિંગ બેટર ઈશાન કિશને 16 બોલમાં અર્ધસદી નોંધાવી ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. ઈશાને ઈનિંગની બીજી ઓવરમાં  4 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.  ઈશાન કિશને 32 બોલમાં 84 રન કર્યા હતા. જેમાં તેણે 11 ચોગ્ગા અને 4 સિક્સ મારી હતી.


હાલ મુંબઈ 12 પોઈન્ટ અને -0.048 રનરેટ સાથે છઠ્ઠા સ્થાને છે. મુંબઈએ પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માટે 170 રનના વિશાળ માર્જિનથી જીત મેળવવાની હતી. હૈદરાબાદની ટીમ 80 રનમાં ઓલ આઉટ થઈ જાય તો આ શક્ય હતું,  પરંતુ હૈદરાબાદે 11 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 115 રન બનાવી લીધા છે. 


આઈપીએલમાં બન્ને ટીમ 17 વાર ટકરાઈ છે, જેમાં 9 વખત મુંબઈ અને 8 વખત હૈદરાબાદ જીત્યું છે. IPLમાં સૌથી વધારે રનની વાત કરીએ તો એક ઈનિંગમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના નામે છે. 2013માં બેંગલોરે પુણે વોરિયર્સ સામે 20 ઓવરમાં પાંચ વિકેટે 263 રન બનાવ્યા હતા. ક્રિસે ગેલ આ મેચમાં 175 રને અણનમ રહ્યો હતો.


મુંબઈની ટીમ આ સિઝનના ફેઝ-2 માં સારું પ્રદર્શન કરી શકી નથી. તેને UAEમાં 6માંથી 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને રાહુલ ચાહર બીજા તબક્કામાં પોતાની છાપ છોડી શક્યા નથી. તે વર્લ્ડ કપ પહેલા પોતાનું પ્રદર્શન સુધારવા ઈચ્છશે. જસપ્રિત બુમરાહે અત્યાર સુધી સારી રમત બતાવી છે. તે જ સમયે, ઇશાન કિશને છેલ્લી મેચમાં સારી ઇનિંગ રમી હતી.