ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની વર્તમાન આઠ ફ્રેન્ચાઈઝી માટે ખેલાડીઓને જાળવી રાખવાની અંતિમ તારીખ આજે (મંગળવારે) પૂરી થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ જે ચાર ખેલાડીઓને રિટેન કરવા જઈ રહી છે તેની જાહેરાત કરવામાં આવી છે. ટીમે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ અને કિરોન પોલાર્ડને રિટેન કરવાનો નિર્ણય કર્યો છે.


ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માને 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ હવે કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલિંગ આક્રમણના લીડર જસપ્રિત બુમરાહને આસપાસ રાખીને ટીમ તૈયાર કરશે. જોકે, ટીમની સામે પડકાર સૂર્યકુમાર અને ઈશાન કિશનમાંથી એકને પસંદ કરવાનો હતો. બોલિંગ કરવામાં અસમર્થતાને કારણે હાર્દિક પંડ્યા પહેલા જેવો ઓલરાઉન્ડર નથી પરંતુ ટીમ તેને ફરીથી હરાજીમાં ખરીદવાનો પ્રયાસ કરી શકે છે.



આવતા વર્ષે યોજાનારી મોટી હરાજી પહેલા અંતિમ ક્ષણોમાં મોટાભાગની ટીમો પોતાની પસંદગીના ખેલાડીઓને પોતાની સાથે રાખવાનો પ્રયાસ કરી રહી છે. વર્તમાન આઠ ટીમના રિટેન કરાયેલા ખેલાડીઓને અંતિમ રૂપ આપ્યા બાદ, બે નવી ફ્રેન્ચાઈઝી લખનૌ અને અમદાવાદને 1 થી 25 ડિસેમ્બર સુધી ત્રણ ખેલાડીઓની પસંદગી કરવાની તક મળશે, ત્યારબાદ જાન્યુઆરીમાં હરાજી થશે. જણાવી દઈએ કે વર્તમાન આઠ ટીમો વધુમાં વધુ ચાર ખેલાડીઓને જાળવી શકે છે, જેમાં ત્રણથી વધુ ભારતીય અને બેથી વધુ વિદેશી ખેલાડીઓ હોઈ શકે નહીં.


ચેન્નાઈ સુપર કિંગ્સે ચોંકાવી દીધા


ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને 16 કરોડ રૂપિયામાં રિટેન કરીને બધાને ચોંકાવી દીધા છે. ટીમના કેપ્ટન  મહેન્દ્ર સિંહ ધોની કરતા ઉંચી કિંમતે ફ્રેન્ચાઈઝીએ જાડેજાને જાળવી રાખ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે જાડેજાને જાળવી રાખેલા ખેલાડીઓની યાદીમાં નંબર વન પર મૂક્યો હતો. આ સાથે જ ધોનીને 12 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે.


હૈદરાબાદે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા


સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. આ ખેલાડીઓ છે કેપ્ટન કેન વિલિયમસન, ફાસ્ટ બોલર ઉમરાન મલિક અને અબ્દુલ સમદ. વિલિયમસનને રૂ. 14 કરોડમાં, મલિક અને સમદને રૂ. 4 કરોડમાં જાળવી રાખવામાં આવ્યા છે. ગત સિઝનમાં ભૂતપૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નર સાથેના મતભેદોને કારણે ખોટા કારણોસર સમાચારમાં રહેલી સનરાઈઝર્સે કેન વિલિયમસનને જાળવી રાખવાની તૈયારી કરી હતી. પરંતુ ચોંકાવનારો નિર્ણય એ છે કે ફ્રેન્ચાઇઝીએ રાશિદ ખાનને જાળવી રાખ્યો નથી. ટીમે મલિક અને સમદ જેવા યુવા ખેલાડીઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સમદ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે જ્યારે ઉમરાન મલિક તેની ઝડપી બોલિંગ માટે પ્રખ્યાત છે. આઈપીએલની છેલ્લી સિઝનમાં તેણે ઘણી વખત 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યા હતા.