વિમેન્સ અંડર-19 વન-ડે ટ્રોફીમાં મુંબઈની ઇરા જાધવે પોતાની વિસ્ફોટક બેટિંગથી ઇતિહાસ રચ્યો હતો. ઇરાએ મેઘાલય સામે 157 બોલમાં 346 રનની રેકોર્ડ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં ઇરાએ 42 ચોગ્ગા અને 16 છગ્ગા પણ ફટકાર્યા હતા. આ ઇનિંગ સાથે ઇરા મહિલા અંડર-19 વનડે ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમનારી વિશ્વની પ્રથમ ખેલાડી બની ગઈ છે. તેણી પોતાની ઇનિંગના અંત સુધી અણનમ રહી હતી. તેમની રેકોર્ડ બેટિંગને કારણે મુંબઈની ટીમે મેઘાલય સામેની નિર્ધારિત 50 ઓવરની મેચમાં 3 વિકેટ ગુમાવીને 563 રન કર્યા હતા.






મુંબઈ સામેની આ મેચમાં મેઘાલયે કુલ 6 બોલરોનો ઉપયોગ કર્યો જેમાંથી ત્રણ બોલરોએ 100 કે તેથી વધુ રન આપ્યા હતા. ઉપરાંત ત્રણ બોલરોએ 50થી વધુ રન આપ્યા હતા. ફક્ત ઇરા જાધવ જ નહીં મુંબઈની કેપ્ટન હાર્લી ગાલાએ પણ મેઘાલયના બોલરોની ધોલાઇ કરી હતી અને માત્ર 79 બોલમાં 116 રનની શાનદાર ઇનિંગ રમી હતી.


અંડર-19 મહિલા ક્રિકેટમાં ધૂમ મચાવનાર ઇરા જાધવ કોણ છે?


ઇરા જાધવ માત્ર 14 વર્ષની છે. ઇરાએ પોતાની ક્રિકેટ સફર દાદર પશ્ચિમમાં સ્થિત પ્રખ્યાત શારદાશ્રમ વિદ્યા મંદિરથી શરૂ કરી હતી. આ શારદાશ્રમમાંથી ઘણા મહાન ક્રિકેટરો ઉભરી આવ્યા છે. ઇરા હાલમાં મુંબઈ અંડર-15 ટીમની કેપ્ટન છે. આ ઉપરાંત તેનો અંડર-19 ટીમમાં પણ સમાવેશ થાય છે. ઇરાએ ખૂબ જ નાની ઉંમરે પોતાની શાનદાર ઇનિંગ્સથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.


નોંધનીય છે કે ઇરા જાધવને કલ્પના મુરકર દ્વારા ક્રિકેટની મૂળભૂત યુક્તિઓ શીખવવામાં આવી છે. જોકે, હવે કલ્પનાનો પુત્ર વૈદિક મુરકર ઇરાને કોચિંગ આપી રહ્યો છે. તેના કોચની સાથે પિતા સચિન જાધવ પણ તેમની પુત્રીને એક આશાસ્પદ ક્રિકેટર બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.                                             


Champions Trophy 2025: ચેમ્પિયન ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, કમિન્સના રમવા પર સસ્પેન્સ