નવી દિલ્હી: આપણે ઘણીવાર સાંભળ્યું અને જોયું હશે કે, કોઈ ખેલાડીએ શાનદાર શોટ મારીને કાચ કે લાઈટ તોડી નાખી, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ ખેલાડીએ સિક્સ ફટકારીને પોતાની કારનો જ કાચ તોડી નાખ્યો હોય. આમ આયરલેન્ડના બેટ્સમને કેવિન ઓબ્રાયને કર્યું છે.


તૂટેલા કાચવાળી કારની તસવીર આઈસીસીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર પણ કરી છે. જેના પર ક્રિકેટ ચાહકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આયરલેન્ડનો ઓલરાઉન્ડર કેવિન ઓબ્રાયન પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે.


કેવિન ઓબ્રાયને ડબલિનમાં રમાયેલી એક ઘરેલુ ટી20 મેચ દરમિયાન શાનદાર સિક્સ ફટકારીને પોતાની જ કારનો કાચ તોડી નાખ્યો હતો. આ મેચમાં ઓબ્રાયને વિસ્ફોટક બેટિંગ કરી હતી અને માત્ર 37 બોલમાં 82 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેણે 8 સિક્સ ફટકારી હતી. તે દરમિયાન તેની એક સિક્સ પાર્કિંગમાં ઉભેલી પોતાની જ કાર પર પડી હતી. જેનાથી કારની બારીનો કાચ તૂટી ગયો હતો, કેવિન ગુરુવારે ઈન્ટર પ્રોવિન્સિયલ સીરીઝની એક મેચ રમી રહ્યો હતો.