Rohit Sharma retirement: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ ODI ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધી હોવાના દાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રોહિત શર્મા, જેઓ પહેલાથી જ ટેસ્ટ અને T20 ફોર્મેટને અલવિદા કહી ચૂક્યા છે, તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક રહસ્યમય તસવીર શેર કરતા આ અટકળોને વેગ મળ્યો છે. જોકે, આ દાવાઓની સત્યતા અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
શું છે વાયરલ પોસ્ટનું સત્ય?
રોહિત શર્માએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાના ક્રિકેટ હેલ્મેટનો ફોટો શેર કર્યો છે. આ તસવીર પર તેણે જૂન 23, 2025 ની તારીખ લખી છે અને સાથે એક સંદેશ પણ લખ્યો છે કે, "તે હંમેશા ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં ગર્વ અનુભવશે." આ તસવીર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ દાવો કરવાનું શરૂ કરી દીધું કે 'હિટમેન'એ ODI ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે.
વાસ્તવિકતા એ છે કે, રોહિત શર્માએ ચોક્કસપણે આ સ્ટોરી શેર કરી છે, પરંતુ તેણે પોતાની પોસ્ટમાં નિવૃત્તિ સંબંધિત કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. તે જ સમયે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ રોહિતની નિવૃત્તિ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. આના પરથી કહી શકાય કે તેની ODI નિવૃત્તિના તમામ દાવા હાલ પૂરતા ખોટા સાબિત થાય છે.
રોહિત શર્માનું ભાવિ અને આગામી મેચો
હાલની સ્થિતિએ રોહિત શર્મા હવે ફક્ત ODI મેચોમાં જ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે. તે ઓગસ્ટ મહિનામાં ટીમ ઈન્ડિયા માટે ફરીથી મેદાન પર ઉતરી શકે છે, જ્યારે ટીમ 3 ODI મેચોની શ્રેણી માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાની છે. આ વર્ષે, ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે પણ ત્રણ-ત્રણ ODI મેચોની શ્રેણી રમવાની છે. જો રોહિત આ બધી મેચો માટે ઉપલબ્ધ રહે છે, તો 2025 ના અંત સુધીમાં, તે ફક્ત 9 ODI મેચોમાં જ રમતો જોવા મળશે.
રોહિત શર્માની ODI કારકિર્દી પર એક નજર
રોહિત શર્માએ તેની 273 મેચોની ODI કારકિર્દીમાં કુલ 11,168 રન બનાવ્યા છે. તે ODI ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર (264 રન) કરનાર બેટ્સમેન પણ છે. તેની ODI કારકિર્દીમાં કુલ 32 સદી અને 58 અડધી સદી શામેલ છે, જે તેને વિશ્વના સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેનોમાંથી એક બનાવે છે. તેની નિવૃત્તિની અટકળો ભલે ખોટી સાબિત થઈ હોય, પરંતુ તેની પોસ્ટથી ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સુકતા અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.