નવી દિલ્હીઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટી20માં ભારતીય ટીમને ઇંગ્લિશ ટીમે જોરાદાર માતા આપી છે, આઠ વિકેટથી મેચ હાર્યા બાદ કોહલીની રણનીતિ અને બેટિંગ ઓર્ડર પર પૂર્વ દિગ્ગજ સંજય માંજરેકરે સવાલો ઉઠાવ્યા છે. ઇશાન કિશનના બેટિંગ ઓર્ડરને લઇને સંજય માંજરેકરે કોહલી પર ગુસ્સો ઠાલવ્યો છે. 


બીજી ટી20માં દમદાર ઓપનિંગ શરૂઆત આપ્યા બાદ ટીમ ઇન્ડિયાને જીત અપવાનારા બેટ્સમેન ઇશાન કિશાનને લઇને સંજય માંજરેકરે કહ્યું- ઇશાન કિશનને કેમ ઓપનિંગમાં હટાવી દેવાયો આમા મને સમજાતુ નથી. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની વાપસી થતાંજ બેટિંગ ઓર્ડર ચેન્જ થયો હતો, કેએલ રાહુલની સાથે ઇશાન કિશનને હાટવીને કોહલીએ રોહિત શર્માને ઓપનિંગમાં ઉતાર્યો હતો. જોકે, ઓપનિંગમાં ઉતરેલા કેએલ રાહુલે ફરી એકવાર નિરાશ કર્યા હતા, અને શૂન્ય રને આઉટ થઇ ગયો હતો.


સંજય માંજરેકરે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું- એક ટી20 ઓપનર તરીકે ધમાકેદાર ડેબ્યૂ બાદ ઇશાન કિશન આગળની મેચમાં ઓપનિંગ નથી કરી રહ્યો, આ મારી સમજ બહારનુ છે. 



ઇશાન કિશને બીજી ટી20માં ડેબ્યૂ કરતાં શાનદાર 32 બૉલમાં 56 રનની અર્ધશતકીય ઇનિંગ રમી હતી. આ દરમિયાને તેને 5 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. પરંતુ ત્રીજી ટી20માં બેટિંગ ઓર્ડર ચેન્જ થતાં ઇશાન કિશન ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો અને 9 બૉલમાં માત્ર 4 રન કરીને ક્રિસ જૉર્ડનના ઉછળતા બૉલ પર આઉટ થઇ ગયો હતો. 


ત્રીજી ટી20 મેચની હાઇલાઇટ્સ.....
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટી20માં ઇંગ્લિશ ટીમે ટૉસ જીતીને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમે 20 ઓવર રમીને 6 વિકેટના નુકશાને 156 રન બનાવ્યા હતા, ભારત તરફથી સૌથી વધુ કેપ્ટન કોહલીએ 77 રન બનાવ્યા હતા. જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડ ટીમે 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 158 રન કરીને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડ તરફથી વિકેટકીપર બેટ્સમેન જૉસ બટલરે સૌથી વધુ 83 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી. મેચ બાદ પાંચ ટી20 મેચોની સીરીઝમાં ઇંગ્લેન્ડ 2-1થી આગળ નીકળી ગઇ છે.