IND vs SL: ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ઓપનર ઈશાન કિશન શ્રીલંકા સામે કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 15 બોલમાં બે ચોગ્ગાની મદદથી 16 રન બનાવીને આઉટ થયો હતો. મેચ દરમિયાન તે લાહિરુ કુમારનો બાઉન્સર માથામાં વાગ્યા બાદ પણ બેટિંગ કરી હતી, પરંતુ ખરાબ શોટ રમીને તેણે તેની વિકેટ ગુમાવી દીધી હતી. મેચ પુરી થયા બાદ ઈશાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે અને તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. આજે રમાનારી ત્રીજી ટી20માંથી તેને આરામ આપવામાં આવી શકે છે.
ઈશાન ઈનિંગની ચોથી ઓવરમાં ઈજાગ્રસ્ત થયો હતો.
ભારતીય ઇનિંગ્સની ચોથી ઓવરના બીજા બોલ પર ઇશાન કિશન ઇજાગ્રસ્ત થયો હતો. ભારતીય ઈનિંગની ચોથીઓવરમાં લાહિરુએ 146 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝડપી બાઉન્સર ફેંક્યો હતો. જે ઈશાનના માથામાં વાગી હતી. બોલ વાગ્યા બાદ તે હેલ્મેટ ઉતારીને બેસી ગયો અને પછી ફિઝિયોને મેદાનમાં આવવું પડ્યું. આ પછી ઈશાન બેટિંગ માટે તૈયાર થઈ ગયો. જો કે, તે તેની ઈનિંગ્સને વધુ આગળ વધારી શક્યો ન હતો અને છઠ્ઠી ઓવરના પહેલા જ બોલ પર લાહિરુએ તેને આઉટ કર્યો હતો. શનાકાએ લાહિરુની બોલ પર મિડ પર એક સરળ કેચ લીધો.
ઈશાનને માથામાં બોલ વાગતાં મેચ પૂરી થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને કાંગડાની ફોર્ટિસ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. કુમારાનો બાઉન્સર ઈશાન કિશનના હેલ્મેટ પર વાગ્યો હતો, જેના કારણે રમતને થોડીવાર માટે રોકવી પડી હતી. ઈશાન ઉપરાંત શ્રીલંકાના બેટ્સમેન દિનેશ ચાંદીમલને પણ આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજી ટી20 મેચ દરમિયાન પણ ચાંદીમલ ઈજાગ્રસ્ત થયો હતો. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશને આ માહિતી આપી હતી.
અય્યર-જાડેજાની આક્રમક બેટિંગથી ભારતની આસાન જીત
ભારત અને શ્રીલંકા વચ્ચે ધર્મશાલામાં રમાયેલી બીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 183 રન બનાવ્યા હતા. નિસાંકાએ 53 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 75 રન બનાવ્યા હતા. કેપ્ટન શનાકા 19 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 47 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાને 1-1 સફળતા મળી હતી. ભારતે 17.1 ઓવરમાં 186 રન બનાવી ટાર્ગેટ હાંસલ કર્યો હતો. રોહિત શર્મા 1 રન, ઈશાન કિશન 16 રન અને સંજુ સેમસન 25 બોલમાં 39 રન બનાવી આઉટ થયા હતા. શ્રેયસ અય્યર 44 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 74 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજા 18 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 45 રન બનાવી અણનમ રહ્યો હતો. શ્રીલંકા તરફથી લાહિરુ કુમારાએ બે અને ચમીરાએ એક વિકેટ લીધી હતી.