Team India: ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની મુશ્કેલીઓ વધુ વધવાની છે. ઇશાન કિશને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ચેતવણીને અવગણી છે. ઈશાન કિશને રણજી ટ્રોફીમાં ઝારખંડ દ્વારા રમાયેલી છેલ્લી મેચમાં પણ ભાગ લીધો ન હતો. BCCIએ એવા ખેલાડીઓને રણજી ટ્રોફી રમવાની સૂચના આપી હતી જેઓ નેશનલ ડ્યૂટી પર નથી. ઈશાન કિશન ઉપરાંત દીપક ચહર અને શ્રેયસ અય્યરે પણ BCCI સેક્રેટરી જય શાહની સૂચનાઓનું પાલન કર્યું ન હતું.


વાસ્તવમાં આ આખો વિવાદ ઇશાન કિશનથી શરૂ થયો હતો. ઇશાન કિશને ગયા વર્ષે સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. આ પછી ઈશાન કિશનને અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં જગ્યા આપવામાં આવી ન હતી. જ્યારે ટીમ મેનેજમેન્ટને ઈશાન કિશનની અનુપલબ્ધતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટ કર્યું કે કિશનને પુનરાગમન કરવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની જરૂર છે. પરંતુ કિશને પોતાને રણજી ટ્રોફીથી દૂર રાખ્યો અને ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની છેલ્લી ત્રણ મેચમાં પણ તેની પસંદગી થઈ ન હતી.


બીસીસીઆઈ કાર્યવાહી કરી શકે છે


આ સમગ્ર વિવાદને જોઈને BCCIએ સ્પષ્ટ કર્યું કે હવેથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રણજી ટ્રોફીને નજરઅંદાજ નહીં કરી શકે. BCCIએ ખેલાડીઓને રણજી ટ્રોફી નહીં રમવા પર કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. આમ છતાં કિશન છેલ્લી મેચ રમવા મેદાનમાં આવ્યો ન હતો. દીપક ચહરે આ સિઝનમાં એક પણ રણજી મેચ રમી નથી. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ શ્રેયસ અય્યર મુંબઈ તરફથી રણજી ટ્રોફી રમશે તેવી આશા હતી. પરંતુ અય્યરે પણ મેદાનથી અંતર જાળવી રાખ્યું હતું. આ તમામ ખેલાડીઓ પર સ્થાનિક ક્રિકેટને બદલે IPLને મહત્વ આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.


ઈશાને માગ્યો હતો બ્રેક


 




સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. અહીં ઈશાન કિશનની જગ્યાએ કેએસ ભરતને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ખુદ ઈશાન કિશને આ ટેસ્ટ સિરીઝમાંથી બ્રેક માંગ્યો હતો. તેથી બીસીસીઆઈએ આ ફેરફાર કરવો પડ્યો. બીસીસીઆઈએ જણાવ્યું કે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને અંગત કારણોસર ટીમ ઈન્ડિયામાંથી બ્રેક માંગ્યો હતો. તેથી, તેને દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો.