James Anderson Retires: જેમ્સ એન્ડરસને 21 વર્ષ ક્રિકેટ રમ્યા પછી આખરે પોતાના કારકિર્દીને વિરામ આપી દીધો છે. લોર્ડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને ઇનિંગ્સ અને 114 રનથી હરાવ્યું છે, જે એન્ડરસનની કારકિર્દીની છેલ્લી મેચ રહી. 'સ્વિંગના કિંગ' તરીકે જાણીતા એન્ડરસને આ ઐતિહાસિક કારકિર્દીમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં 700થી વધુ વિકેટ લેનાર પ્રથમ બોલર રહ્યા, પરંતુ શું તમે જાણો છો કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બોલ ફેંકનાર બોલર પણ જેમ્સ એન્ડરસન જ છે. બીજી તરફ કોઈ બેટ્સમેન દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બોલ રમવાનો કીર્તિમાન 'ધ વૉલ' તરીકે જાણીતા ભારતના મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડના નામે છે.


ટેસ્ટમાં સૌથી વધુ બોલ ફેંકનાર ઝડપી બોલર ઇંગ્લેન્ડ માટે રમતા જેમ્સ એન્ડરસને પોતાનું ટેસ્ટ ડેબ્યૂ વર્ષ 2003માં ઝિમ્બાબ્વે સામેની મેચમાં કર્યું હતું. પોતાની ડેબ્યૂ મેચમાં તેમણે 5 વિકેટ હોલ લઈને ક્રિકેટ જગતમાં સનસનાટી ફેલાવી દીધી હતી. ત્યારબાદ પોતાની 21 વર્ષ લાંબી કારકિર્દીમાં તેમણે નિવૃત્ત થતાં સુધીમાં 40,037 બોલ ફેંક્યા. તેઓ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ બોલ ફેંકનાર ઝડપી બોલર તરીકે નિવૃત્ત થયા છે. આ મામલામાં તેમનાથી ઉપર મુથૈયા મુરલીધરન (44,039), અનિલ કુંબલે (40,850) અને શેન વોર્ન (40,705) છે, પરંતુ આ ત્રણેય સ્પિનર રહ્યા. ઝડપી બોલરોની યાદીમાં બીજા સ્થાને પણ ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ છે, જેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 33,698 બોલ ફેંક્યા હતા.


40,037 બોલ   જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ)


33,698 બોલ   સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ)


30,019 બોલ   કોર્ટની વોલ્શ (વેસ્ટ ઈન્ડિઝ)


ટેસ્ટમાં સૌથી વધુ બોલ રમનાર બેટ્સમેન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બોલ રમનાર બેટ્સમેનોની યાદીમાં સૌથી ઉપર રાહુલ દ્રવિડ છે. દ્રવિડને 'ધ વૉલ'ના નામથી ઓળખવામાં આવતા હતા અને તેમની ડિફેન્સિવ ગેમ સામે સારા બોલરો થાકીને હાર માની લેતા હતા. દ્રવિડે પોતાની લગભગ 16 વર્ષ લાંબી ટેસ્ટ કારકિર્દીમાં 164 મેચ રમ્યા, જેમાં તેમણે 31,258 બોલ રમ્યા હતા. આ યાદીમાં તેમના પછી સચિન તેંડુલકરનો નંબર આવે છે, જેમણે 200 ટેસ્ટ મેચોમાં 29,437 બોલ રમ્યા હતા.


31,258 બોલ - રાહુલ દ્રવિડ (ભારત)


29,437 બોલ - સચિન તેંડુલકર (ભારત)


28,903 બોલ - જેક્સ કેલિસ (દક્ષિણ આફ્રિકા)