નવી દિલ્હીઃ 2021 એશિઝ સીરિઝ અગાઉ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ઝડપી બોલર જેમ્સ પેટિન્સને અચાનક ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. તેણે 3 જાન્યુઆરી 2020માં ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. પેટિન્સને કહ્યું કે તેને લાગે છે કે ફિટનસ સાથે જોડાયેલા મામલાઓના કારણે તે એશિઝ સીરિઝમાં ભાગ લઇ શકશે નહીં. પેટિન્સને હજુ 31 વર્ષનો છે. તેણે ઓસ્ટ્રેલિયા તરફથી 21 ટેસ્ટ, 15 વન-ડે અને ચાર ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જોકે, તે સ્થાનિક ક્રિકેટમાં વિક્ટોરિયા તરફથી રમવાનું ચાલુ રાખશે.
પેટિન્સને કહ્યું કે સીઝન અગાઉ હું વાસ્તવમાં એશિઝ માટે દાવો રજૂ કરવા માંગતો હતો પરંતુ આગામી સત્ર માટે હું જેવી તૈયારી કરવા માંગતો હતો તેવી કરી શક્યો નહીં. જો હું એશિઝનો હિસ્સો હોત તો મારી જાત અને મારા સાથીઓ સાથે ન્યાય કરવો પડ્યો હોત. હું એ સ્થિતિમાં પડવા નથી માંગતો જ્યાં મને મારા શરીર સામે ઝઝૂમવું પડે. આ મારા અને મારી ટીમ માટે સારુ રહ્યું ના હોત.
તેમણે કહ્યું કે મને લાગે છે કે ઉચ્ચસ્તરે ક્રિકેટ રમવાના બદલે વિક્ટોરિયા તરફથી મેચ રમવા. ઇગ્લેન્ડમાં કેટલીક મેચ રમવા અને પોતાના પરિવાર સાથે વધુ સમય પસાર કરવા પર ધ્યાન આપવું જોઇએ.
પેટિન્સને પોતાની કરિયરમાં ટેસ્ટ ક્રિકેટમાં 81 અને વન-ડેમાં 16 વિકેટ ઝડપી છે. ટી-20 ઇન્ટરનેશનલમાં તેમના નામે ત્રણ વિકેટ છે. તેણે ડિસેમ્બર 2011માં મિશેલ સ્ટાર્ક અને ડેવિડ વોર્નર સાથે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ બ્રિસ્બેનમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની અંતિમ ટેસ્ટ જાન્યુઆરી 2020માં ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ જ સિડનીમાં રમી હતી.