નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ અને સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સંજના ગણેશન હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. આ બંનેએ 15 માર્ચે ગોવામાં એક અંગત સમારોહમાં લગ્ન અને ગુરુદ્વારામાં અનંત કારજની વિધિ કરી હતી. લગ્ન બાદ આ બંનેની મહેંદી, હલ્દી અને સંગીત સેરેમનીની અનેક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા. બુમરાહ અને સંજનાએ લગ્ન બાદ હવે પોતાના રિસેપ્શનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શૅર કરી છે.
જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામથી પોતાના રિસેપ્શનની તસવીરો શૅર કરી પ્રશંસકોને લગ્નની શુભેચ્છાઓ પાઠવવા માટે ધન્યવાદ કહ્યા છે. આ પહેલાં પોતાના લગ્નની જાણકારી આપતા બુમરાહ અને સંજનાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, 'પ્રેમથી પ્રેરિત થઈને, અમે એક સાથે એક નવી યાત્રા શરૂ કરી છે. આજે અમારા જીવનના સૌથી ખુશીના દિવસોમાંથી એક છે અને અમે અમારા લગ્નના સમાચાર અને પોતાની ખુશી પોતાની સાથે શેર કરતા ઘણી ધન્યતાનો અનુભવ કરું છું.'
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની ગાઈડલાઈનના કારણે બુમરાહના પરિવારના અમુક લોકો જ આ લગ્નમાં હાજર રહી શક્યા છે. ટીમ ઈન્ડિયાના સભ્યો પણ ઈંગ્લેન્ડ સામેની ચાલુ સીરિઝ અને પ્રતિબંધોના કારણે લગ્નમાં હાજરી આપી શક્યા નથી.
જસપ્રીત બુમરાહે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામથી સંજના ગણેશન સાથેની બે તસવીરો શૅર કરીને લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસ જાદુથી ઓછા નથી. અમે સૌ આપના પ્રેમ અને ઈચ્છાઓ માટે ખૂબ આભારી છીએ. ધન્યવાદ. રિસેપ્શન પ્રસંગે જસપ્રીત બુમરાહે કાળા રંગનો સૂટ અને સંજના ગણેશને પર્પલ રંગનો ડ્રેસ પહેર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં જસપ્રીત બુમરાહે બીસીસીઆઇ પાસે લગ્ન કરવા માટે રજાઓની મંજૂરી માંગી હતી, જેને બીસીસીઆઇએ મંજૂર કરી હતી. આ કારણે બુમરાહા અંતિમ ટેસ્ટ અને ટી20 સીરીઝથી દુર થઇને લગ્નની તૈયારીઓમાં જોડાઇ ગયો હતો.
બુમરાહ અને સંજનાના લગ્નના ફંક્શનમા કોરોના મહામારીનુ ધ્યાન રાખવામાં આવ્યુ, આના કારણે ફંક્શનમાં માત્ર નજીકના લોકો અને મિત્રોને જ બોલાવવામાં આવ્યા હતા. બુમરાહ અને સંજનાના લગ્નની વાત છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી હતી.
કૌણ છે સંજના ગણેશન?
28 વર્ષની સંજના ગણેશન એક ક્રિકેટ એન્કર છે. છેલ્લા કેટલાય સમયથી તે કેટલીય ટૂર્નામેન્ટોનો ભાગ રહી છે. તે આઇપીએલમાં એક્ટિવ રહેવાની સાથે સ્ટાર સ્પૉર્ટ્સ સાથે પણ જોડાયેલી છે. સંજના વર્લ્ડકપ 2019થી લઇને ઇન્ડિયન પ્રીમિયર લીગ સુધી હૉસ્ટ કરી ચૂકી છે. આ ઉપરાંત સંજના કોલકત્તા નાઇટ રાઇડર્સની એન્કર પર રહી છે. સંજનાએ વર્ષ 2013માં ફેમિના ગૉર્જિયસનો ખિતાબ પણ જીત્યો હતો.