Road Safety Series 2021: રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી -20 ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં શ્રીલંકા લિજેન્ડ્સે દક્ષિણ આફ્રિકા લિજેન્ડ્સને 8 વિકેટે હરાવી ફાઈનલમાં પહોંચી ગયું છે. શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાની જીત માટે ફાસ્ટ બોલર નુવાન કુલશેકરાએ પાંચ વિકેટ ઝડપી મોટું યોગદાન આપ્યું હતું. શ્રીલંકાના બેટ્સમેનોએ ટીમને માત્ર 17.2 ઓવરમાં જ જીત અપાવી હતી.  



દક્ષિણ આફ્રિકા સામેની જીત સાથે શ્રીલંકા રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી 20 ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ગયું છે. શ્રીલંકા હવે રવિવારે ફાઈનલમાં ઈન્ડિયા લિજેન્ડ્સ સામે ટકરાશે. જ્યાં ફરી એકવાર બંને ટીમો વચ્ચે  2011ના વર્લ્ડ કપની ફાઈનલનું પુનરાવર્તન જોવા મળશે. ભારતે મુંબઈમાં રમાયેલી ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને બીજી વખત આઈસીસી વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.


શ્રીલંકા લિજેન્ડ્સે પ્રથમ બોલિંગ કરતા નુવાન કુલસેકરાની પાંચ વિકેટોની મદદથી માત્ર 125 રનમાં દક્ષિણ આફ્રિકા લિજેન્ડ્સને ઓલ આઉટ કરી દીધું હતું. શ્રીલંકા લિજેન્ડ્સે 17. 2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. 



શ્રીલંકા લિજેન્ડ્સ માટે  ઉપુલ થરંગાએ 44 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી અણનમ 39 રન, કેપ્ટન તિલકરત્ને દિલશને 18, સનથ જયસૂર્યા 18 અને જયસિંઘે 25 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 47 રન બનાવ્યા હતા.  દક્ષિણ લિજેન્ડ તરફથી માખાયા એનટિની અને અલ્વીરો પીટરસને એક-એક વિકેટ લીધી હતી. 


ઈન્ડિયા લિજેન્ડ્સે બુધવારે  વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સને હરાવીને રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં ઈન્ડિયા લિજેન્ડ્સે વેસ્ટ ઇન્ડિઝના લિજેન્ડ્સને 12 રને હરાવી હતી. હવે ફાઈનલમાં શ્રીલંકા લિજેન્ડ્સ સામે ટકરાશે. 



વેસ્ટઈન્ડિઝ લિજેન્ડ સામે  શાનદાર બેટિંગ માટે યુવરાજ સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે 20 બોલમાં છ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા. તેણે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બોલર મહેન્દ્ર નાગામોટોની ઓવર (19મી ઓવર) માં ચાર સિક્સર ફટકારી હતી.