Wisden Cricketers Award: વિઝડન ક્રિકેટર્સ અલમાનેકએ વર્ષના લીડિંગ ક્રિકેટર્સના નામ જાહેર કર્યા છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મહિલા ક્રિકેટ ટીમના સ્મૃતિ મંધાનાને વિઝડનનો તાજ પહેરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, વર્ષના ટોપ-5 ક્રિકેટર્સની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં ત્રણ ખેલાડીઓ ઇંગ્લેન્ડના છે.
નોંધનીય છે કે વિઝડન ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ ક્રિકેટનો સૌથી જૂનો વ્યક્તિગત એવોર્ડ છે. વિઝડન 1889થી દર વર્ષે આ યાદી બહાર પાડી રહ્યું છે, જેની પસંદગી પાછલી સીઝનના પ્રદર્શનના આધારે કરવામાં આવે છે. કોઈ પણ ખેલાડી આ એવોર્ડ એકથી વધુ વખત જીતી શકતો નથી.
જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાનાએ જીતી વિઝડન ટ્રોફી
ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મહિલા ટીમમાંથી સ્મૃતિ મંધાનાને 'વિઝડન લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ' એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. વિઝડન લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ એવોર્ડ વિઝડન ક્રિકેટર્સ અલમાનેકના એડિટર દ્વારા વિશ્વના કેટલાક અનુભવી લેખકો અને વિવેચકો સાથે પરામર્શ કરીને આપવામાં આવે છે. બુમરાહને વર્ષ 2024માં તેના શાનદાર પ્રદર્શન બાદ આ એવોર્ડ મળ્યો છે.
જસપ્રીત બુમરાહે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2024) ની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ટાઇટલ જીત્યું હતું, જેમાં બુમરાહે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે આખી ટુર્નામેન્ટમાં કુલ 15 વિકેટ લીધી. મેચ પછી તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો.
બુમરાહ ઉપરાંત, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાને વર્ષ 2024માં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ વિઝડન એવોર્ડ મળ્યો હતો. તેણે ગયા વર્ષે પાંચ સદી ફટકારી હતી, જેમાંથી ચાર વનડેમાં હતી. મંધાનાએ ગયા વર્ષે આરસીબીને તેનું પ્રથમ મહિલા પ્રીમિયર લીગનું ટાઇટલ અપાવ્યું હતું.
વિઝડનના ટોચના 5 ક્રિકેટરોમાં ત્રણ ઇગ્લેન્ડના ખેલાડીઓનો સમાવેશ
વિઝડન ક્રિકેટર્સ અલમાનેક વર્ષના ટોચના 5 ક્રિકેટરોની યાદી જાહેર કરી છે. ટોચના 5 ક્રિકેટરોમાં ઇંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડ તરફથી ગુસ એટકિન્સન, જેમી સ્મિથ અને સોફી એક્લેસ્ટોનનો સમાવેશ થાય છે, જ્યારે તેમના સિવાય લિયામ ડોસન અને ડેન વોરોલને વર્ષના ટોચના 5 ક્રિકેટરો માટે પસંદ કરવામાં આવ્યા છે.