ICC Test Rankings, Jasprit Bumrah: ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં જ તબાહી મચાવનારો ભારતનો સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 બૉલર બની ગયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટેસ્ટ ક્રિકેટમાં બૉલરોની લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આમાં બુમરાહે બે દિગ્ગજોને પાછળ છોડી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટ ઝડપી હતી. બુમરાહે પ્રથમ દાવમાં પાંચ અને બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેના જોરદાર પ્રદર્શનને કારણે બુમરાહે ICC ટેસ્ટ બૉલર્સ રેન્કિંગમાં બે મહાન બૉલરોને હરાવ્યા હતા. બુમરાહ હવે ટેસ્ટનો નંબર-1 બૉલર બની ગયો છે.
બુમરાહ બન્યો દુનિયાનો નંબર-1 બૉલર
આ પહેલા દક્ષિણ આફ્રિકાનો ઘાતક ઝડપી બૉલર કાગીસો રબાડા ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને હતો. ઓસ્ટ્રેલિયાનો જૉશ હેઝલવુડ બીજા સ્થાને હતો. ભારતનો બુમરાહ ત્રીજા સ્થાને હતો. હવે બુમરાહે આ બે ઝડપી બૉલરોને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ICCની તાજેતરની રેન્કિંગમાં જસપ્રીત બુમરાહના હવે 883 રેટિંગ પૉઈન્ટ છે. જ્યારે કાગિસો રબાડાના હવે 872 રેટિંગ પૉઈન્ટ છે. રબાડા હવે બીજા સ્થાને સરકી ગયો છે. આ સિવાય જોશ હેઝલવુડ 860 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ પર્થ ટેસ્ટ જીત્યા બાદ બુમરાહે શું કહ્યુ
જસપ્રીત બુમરાહે જીત બાદ કહ્યું, 'હું ખૂબ ખુશ છું. પહેલી ઈનિંગ્સમાં અમે દબાણમાં હતા પરંતુ અમે જે રીતે જવાબ આપ્યો તે અદ્ભુત હતો. હું અહીં 2018માં રમ્યો હતો. અમે સારી રીતે તૈયાર હતા. મેં તમામ ખેલાડીઓને તેમની ક્ષમતામાં વિશ્વાસ રાખવા કહ્યું હતું. જયસ્વાલની આ અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ઇનિંગ્સ હતી. તેણે બોલ સારી રીતે છોડ્યા, મેં વિરાટને આઉટ ઓફ ફોર્મ જોયા નથી. મુશ્કેલ પિચો પર આનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. પરંતુ તે નેટ્સમાં સારી બેટિંગ કરી રહ્યા હતા. જ્યારે ચાહકો અમને ટેકો આપે છે ત્યારે અમને સારું લાગે છે.'
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ મેચમાં રોહિત શર્મા કેપ્ટનશિપ કરતો જોવા મળશે. કારણ કે તે પોતાની રજાઓમાંથી પરત ફર્યો છે અને ટીમ સાથે જોડાઈ ગયો છે. જોકે, બુમરાહની કેપ્ટન્સીમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું હતું. તેણે પોતાની બોલિંગથી પણ તરખાટ મચાવ્યો હતો. બીજી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારની પૂરી શક્યતા છે. રોહિત શર્માના આવવાથી કેએલ રાહુલની બેટિંગ સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે.
આ પણ વાંચો