Jasprit Bumrah,ICC ODI Ranking: ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચોની વન ડે સિરીઝની છેલ્લી મેચમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બહાર બેસવું પડ્યું હતું. બુમરાહ ઈજાગ્રસ્ત થયો હતો અને છેલ્લી વનડે મેચમાં રમી નહોતો શક્યો. હવે આ એક મેચ ના રમવાના કારણે જસપ્રીત બુમરાહ પાસેથી વર્લ્ડ રેન્કિંગમાં નંબર વનનો તાજ છીનવાઈ ગયો છે. હવે બુમરાહની જગ્યાએ ન્યૂઝીલેન્ડના સ્ટાર પેસ બોલર ટ્રેન્ટ બોલ્ટે રેન્કિંગમાં નંબર 1નું સ્થાન મેળવ્યું છે.


બુમરાહ બીજા ક્રમે પહોંચ્યોઃ
ઈંટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) બુધવાર 20 જુલાઈના રોજ વનડે મેચના બોલરની લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આ રેન્કિંગમાં ટ્રેન્ટ બોલ્ટ 704 પોઈન્ટ્સ સાથે નંબર 1 બોલર બની ગયો છે. જ્યારે ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ફક્ત એક પોઈન્ટ ઓછો હોવાના કારણે 703 પોઈન્ટ સાથે બીજા નંબર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ICCના ટોપ બોલરની આ યાદીમાં જસપ્રીત બુમરાહ એક માત્ર ભારતીય બોલર છે જેને ટોપ 10માં સ્થાન મળ્યું છે.


ચહલને મળ્યું ટોપ - 20માં સ્થાનઃ
બુમરાહ ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની ત્રીજી મેચ નહોતો રમી શક્યો. એ સમયે બુમરાહ ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે તે મેચમાંથી બહાર રહ્યો હતો. તેની જગ્યાએ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં મોહમ્મદ સિરાઝને સ્થાન મળ્યું હતું. આ એક મેચ જો બુમરાહ રમ્યો હતો તો કદાચ તે હજી પણ નંબર વન બોલર હોત પણ હવે ટ્રેન્ટ બોલ્ટ પાસે બુમરાહ કરતાં 1 પોઈન્ટ વધુ છે જેથી બોલ્ટ નંબર વન બોલરના સ્થાને પહોંચ્યો છે. મહત્વનું છે કે, ટોપ-20 બોલરની યાદીમાં સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સ્થાન મેળવ્યું છે અને તે 16મા નંબર પર છે.






જસપ્રીત બુમરાહે ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાયેલી વનડેમાં શાનદાર બોલિંગ કરી હતી. આ મેચમાં બુમરાહે 19 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. બુમરાહના આ શાનદાર પ્રદર્શનના કારણે ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું હતું.