મુંબઇઃ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે બુધવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધ શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં દુનિયાના સૌથી ફાસ્ટ બૉલરોમાં સામેલ બુમરાહે આઇપીએલમાં 100 વિકેટો પુરી કરી લીધી છે. આઇપીએલ 2020માં બુમરાહ સારા ફોર્મમાં છે, તેને અત્યાર સુધી 12 મેચોમાં 20 વિકેટો લીધી છે.

કોહલીને આઉટ કરીને લીધી 100માં વિકેટ
ઇનિંગની 12મી ઓવરમાં બીજા બૉલ પર બુમરાહે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલીને સૌરભ તિવારીના હાથોમાં કેચ કરાવી દીધો, આ વિકેટની સાથે જ બુમરાહે આઇપીએલમા 100 વિકેટ ઝડપી લીધી. ખાસ વાત એ પણ રહી કે વિરાટ જ આઇપીએલમાં તેનો પહેલો શિકાર હતો, બુમરાહે વર્ષ 2013માં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી આઇપીએલમાં ડેબ્યૂ કર્યુ હતુ.

મુંબઇ ઇન્ડિયન્સ તરફથી આઇપીએલમાં ડેબ્યૂ કરનારા બુમરાહે અત્યાર સુધી 89 મેચોમાં 102 વિકેટ ઝડપી ચૂક્યો છે. હાલ સૌથી વધુ વિકેટ લેવાના મામલે બુમરાહ 15માં નંબર પર છે. જો ફાસ્ટ બૉલરોની વાત કરીએ તો લસિથ મલિંગા, ડ્વેન બ્રાવો, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, આશિષ નેહરા, ઝહીર ખાન, સંદિપ શર્મા અને વિનય કુમારે જ 100થી વધુ વિકેટો હાંસલ કરી છે.

નોંધનીય છે કે આઇપીએલ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ મલિંગાના નામે નોંધાયેલો છે. તેને 122 મેચોમાં 170 વિકેટ લીધી છે. ત્યારબાદ અમિત મિશ્રાનો નંબર છે, તેને 150 મેચોમાં 160 વિકેટો લીધી છે. ત્રીજા નંબર પર ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્પિનર પિયુષ ચાવલા છે તેને 164 મેચોમાં 156 વિકેટ લીધી છે, બાદમાં ચેન્નાઇ ના જ ડ્વેન બ્રાવોએ 153 અને હરભજન સિંહે 150 વિકેટો ઝડપી ચૂક્યા છે.