ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઇજાને કારણે આ મહત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ ગયો છે. હવે BCCI મેડિકલ ટીમે વધુ એક મોટા ખેલાડીને આ મેચમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયાએ શ્રેણીને ડ્રોમાં સમાપ્ત કરવા માટે આ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે આવી સ્થિતિમાં બીજા ખેલાડીને બાકાત રાખવો એ ટીમ માટે મોટો ઝટકો છે.
પંત પછી આ સ્ટાર ખેલાડી પણ 5મી ટેસ્ટમાંથી બહાર છે
ટીમ ઇન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ શ્રેણીની છેલ્લી મેચમાં રમશે નહીં. આ મેચ ગુરુવારથી લંડનના ઓવલ મેદાન પર શરૂ થશે. ESPN ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, BCCI મેડિકલ ટીમે બુમરાહને સલાહ આપી છે કે તેની પીઠના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેણે આ મેચથી દૂર રહેવું જોઈએ જેથી તેનું ભવિષ્ય સુરક્ષિત રહે. આ નિર્ણય સંપૂર્ણપણે આશ્ચર્યજનક નથી, કારણ કે પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે બુમરાહ આ ઇંગ્લેન્ડ પ્રવાસમાં પાંચમાંથી ફક્ત ત્રણ ટેસ્ટ રમશે. બુમરાહ હેડિંગ્લી ખાતે પહેલી ટેસ્ટ રમ્યો, બર્મિંગહામમાં બીજી ટેસ્ટ ચૂક્યો, પછી લોર્ડ્સ અને ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમ્યો હતો. એટલે કે તે આ શ્રેણીમાં 3 મેચ રમી ચૂક્યો છે.
ઓવલ ટેસ્ટ પહેલા ત્રણ દિવસનો આરામ મળ્યો છતાં ટીમ ઈન્ડિયાએ બુમરાહને આરામ આપવાનો નિર્ણય લીધો છે. ટીમ મેનેજમેન્ટ આ યોજના બદલી શક્યું હોત કારણ કે ભારત પાસે ઓવલમાં જીત મેળવી શ્રેણી 2-2 થી બરાબરી કરવાની તક છે. પરંતુ બુમરાહની ફિટનેસ અને લાંબા ગાળાની યોજનાને ધ્યાનમાં રાખીને તેને આરામ આપવામાં આવ્યો છે. ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટમાં બુમરાહની બોલિંગ પર પણ થાકની અસર જોવા મળી હતી. તેણે 33 ઓવરમાં બે વિકેટ લીધી. ઉપરાંત પહેલી વાર તેણે એક ઇનિંગમાં 100થી વધુ રન આપ્યા, જે તેની કારકિર્દીમાં પહેલી વાર હતું.
ગૌતમ ગંભીરે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે પુષ્ટી કરી હતી કે તેના બધા ઝડપી બોલરો ફિટ છે, જેનો અર્થ છે કે અર્શદીપ સિંહ અને આકાશ દીપ ઈજાઓમાંથી સ્વસ્થ થઈ ગયા છે. આવી સ્થિતિમાં આકાશ દીપની પ્લેઇંગ ઈલેવનમાં વાપસી થઈ શકે છે. જેણે આ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની એકમાત્ર જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અર્શદીપ સિંહ પણ ફિટ થઈ ગયો છે, તેથી તેને પણ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.