IND vs ENg 2022: ભારતે પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે 19 રનમાં 6 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય મોહમ્મદ શમીએ 3 જ્યારે પ્રસિદ્ધ કૃષ્નાએ 1 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડની આખી ટીમ માત્ર 110 રનમાં સમેટાઈ ગઈ હતી. કેપ્ટન રોહિત શર્માના અણનમ 77 રનની મદદથી ભારતે સરળતાથી મેચ જીતી લીધી હતી. આ મેચ બાદ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને જસપ્રિત બુમરાહ પર મોટું નિવેદન આપ્યું છે. નાસિરે કહ્યું કે, "જસપ્રીત બુમરાહ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી શ્રેષ્ઠ બોલર છે."


"મને યાદ નથી કે 6 વર્ષ પહેલાં મેં શું કહ્યું"
જસપ્રીત બુમરાહના શાનદાર પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ મેચ બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં રિપોર્ટરે જસપ્રિત બુમરાહને કહ્યું કે, જ્યાર મેં 6 વર્ષ પહેલાં તમારો ઈન્ટરવ્યું લીધો હતો ત્યારે પણ તમારો આત્મવિશ્વાસ આટલો જ હતો. રિપોર્ટરના આ સવાલના જવાબમાં જસપ્રિત બુમરાહે કહ્યું કે, "સર મને યાદ નથી કે 6 વર્ષ પહેલાં મેં શું કહ્યું હતું. હું હંમેશા મારી જાતને વર્તમાનમાં રાખવા ઈચ્છું છું." બુમરાહે આગળ કહ્યું કે, "હું હંમેશા અત્યારના સમય પર જ ફોકસ કરુ છું વધારે વિચારતો નથી."


"વધારે વિચારવાથી કન્ફ્યુઝ થવાય"
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) જવાબમાં આગળ કહ્યું કે, એક ખેલાડી તરીકે તમારી પાસે ઘણા વિકલ્પો હોય છે. પરંતુ વધારે વિચારવાથી મુંજવણ (confusion) પણ વધારે થાય છે. હું મારા વર્તમાનની તૈયારીઓ પર કામ કરું છું. આ સિવાય હું મારા રોજના રુટીન, ડાયટ અને ફિટનેસ પર કામ કરુ છું જેથી મેચમાં સારું પ્રદર્શન કરી શકું. ભારત-ઈંગ્લેન્ડની ત્રણ મેચોની વનડે સિરીઝની બીજી મેચ ગુરુવારે લોર્ડ્સમાં (Lords) રમાશે. તો આ સિરીઝની છેલ્લી મેચ ઓલ્ડ ટ્રેફર્ડ મેનચેસ્ટર (Old Trafford Manchester) ખાતે રમાશે. હાલ ભારતીય ટીમ 3 મેચની આ સિરીઝમાં 1-0 થી આગળ છે.