નવી દિલ્હી: ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વનડે માં તેના રેકોર્ડબ્રેક પ્રદર્શનનો ફાયદો થયો છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલી ICC વન-ડે રેન્કિંગમાં તે વિશ્વનો નંબર 1 બોલર બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં 19 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડમાં કોઈપણ ભારતીય બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. બુમરાહે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને પાછળ છોડીને નંબર-1 બન્યો છે. બોલરોની વનડે રેન્કિંગમાં તે પાંચ સ્થાનની છલાંગ લગાવીને પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. બુમરાહના ખાતામાં 718 રેટિંગ પોઈન્ટ છે. હવે બોલ્ટ બીજા સ્થાને આવી ગયો છે, જ્યારે આફ્રિદી ત્રીજા અને ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ ચોથા સ્થાને છે.






વન-ડે રેન્કિંગમાં ટોચના 10 બોલરોમાં જસપ્રીત બુમરાહ સિવાય કોઈ ભારતીય ખેલાડી સામેલ નથી. તેના પછી ટોપ-20માં સામેલ ભારતીય બોલર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ છે. તે 20મા નંબર પર છે. મોહમ્મદ શમી 23માં અને ભુવનેશ્વર કુમાર 24માં સ્થાને છે.


ફેબ્રુઆરી 2020માં બુમરાહને પછાડીને ન્યૂઝિલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ વન-ડેમાં નંબર બોલર બન્યો હતો. બુમરાહ કુલ 730 દિવસ સુધી ODI રેન્કિંગમાં નંબર-1 રહ્યો. જે અન્ય કોઈપણ ભારતીય કરતા વધુ છે. આ પહેલા બુમરાહ T20નો નંબર-1 બોલર પણ રહી ચૂક્યો છે. તે હાલમાં ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે, જે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. ICC ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચનાર કપિલ દેવ પછી તે પ્રથમ ભારતીય ઝડપી બોલર છે. અનિલ કુંબલે, રવિન્દ્ર જાડેજા પણ વનડે રેન્કિંગમાં નંબર-1 પર રહી ચૂક્યા છે. મોહમ્મદ શમી ટીમના સાથી ભુવનેશ્વર કુમાર સાથે સંયુક્ત 23મા સ્થાને ત્રણ સ્થાન ઉપર પહોંચી ગયો છે.