Most Wicket In Vijay Hazare Trophy 2022: વિજય હજારે ટ્રોફીની ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રે મહારાષ્ટ્રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા મહારાષ્ટ્રે 50 ઓવરમાં 9 વિકેટે 248 રન બનાવ્યા હતા. જવાબમાં સૌરાષ્ટ્રે 46.5 ઓવરમાં 5 વિકેટે 249 રન બનાવીને મેચ જીતી લીધી હતી. સૌરાષ્ટ્ર માટે 136 બોલમાં 113 રન બનાવનાર શેલ્ડન જેક્સનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર સિઝનમાં શાનદાર બેટિંગ કરનાર મહારાષ્ટ્રના ઋતુરાજ ગાયકવાડને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.


વિજય હજારે ટ્રોફીની આ સિઝનમાં કર્ણાટકના બોલર વાસુકી કૌશિકે સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે આ સિઝનમાં 9 મેચમાં 18 વિકેટ લીધી હતી. આ સાથે જ સૌરાષ્ટ્રનો કેપ્ટન જયદેવ ઉનડકટ બીજા નંબરે રહ્યો હતો. જયદેવ ઉનટકટે 10 મેચમાં 18 વિકેટ લીધી હતી. આ સિવાય વિધ્વત કવેરાપા, કુલદીપ સેન અને રાહુલ શુક્લા જેવા ખેલાડીઓના નામ આ યાદીમાં સામેલ છે. વિધ્વત કવેરાપાએ 8 મેચમાં 17 વિકેટ લીધી હતી જ્યારે કુલદીપ સેને 6 મેચમાં 17 વિકેટ લીધી હતી. આ સાથે જ રાહુલ શુક્લાએ 7 મેચમાં 16 ખેલાડીઓને આઉટ કર્યા હતા.




ઋતુરાજ ગાયકવાડે ફરી સદી ફટકારી હતી


વિજય હજારે ટ્રોફીની ફાઇનલ મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મહારાષ્ટ્રની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 248 રન બનાવ્યા હતા. આ રીતે સૌરાષ્ટ્રને ટાઇટલ જીતવા માટે 249 રનની જરૂર હતી. સૌરાષ્ટ્રે 46.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ પહેલા સુકાની ઋતુરાજ ગાયકવાડે મહારાષ્ટ્ર તરફથી સદી રમી હતી. તેણે 131 બોલમાં 108 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ સૌરાષ્ટ્ર તરફથી ચિરાગ જાનીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. 


ઋતુરાજ ગાયકવાડ ક્વાર્ટર ફાઈનલથી જ કહેર મચાવતો જોવા મળે છે. ક્વાર્ટર ફાઇનલમાં તેણે 149 બોલમાં 220 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે આ ઈનિંગ દરમિયાન સતત 7 સિક્સર મારવાનું કારનામું પણ કર્યું હતું. આ પછી ઋતુરાજે આસામ સામેની સેમીફાઈનલ રમતી વખતે પણ 126 બોલમાં 168 રનની ઈનિંગ રમી હતી. આ સાથે જ આજે સૌરાષ્ટ્ર સામે રમાઈ રહેલી ફાઈનલ મેચમાં તેણે સદી ફટકારીને પોતાની ટીમ માટે શાનદાર યોગદાન આપ્યું હતું.