નવી દિલ્હીઃ  કેપ્ટન જયદેવ ઉનડકટની સાત વિકેટની મદદથી સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં ગુજરાતને 92 રનની હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઇનલમાં સૌરાષ્ટ્રનો સામનો બંગાળ સામે થશે. બંગાળે રણજી ટ્રોફીની એક અન્ય સેમિફાઇનલમાં કર્ણાટકને 174 રનથી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ફાઇનલ નવ માર્ચના રોજ રમાશે. નોંધનીય છે કે જયદેવ ઉનડકટે ગુજરાતની પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઇનિંગમાં સાત વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે સેમિફાઇનલ મેચમાં 10 વિકેટ ઝડપી હતી.


આ સાથે જયદેવ ઉનડકટે રણજી ટ્રોફીની એક સીઝનમાં ઝડપી બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. વર્તમાન રણજી ટ્રોફીની સીઝનમાં જયદેવ ઉનડકટે 65 વિકેટ ઝડપી છે. અગાઉ એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલરનો રેકોર્ડ કર્ણાટકના ડોડા ગણેશના નામે હતો જેણે 1998-99માં 62 વિકેટ ઝડપી હતી. તે સિવાય એક જ સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ બિહારના સ્પીનર આશુતોષ અમનના નામે છે જેણે 2018-19 સીઝનમાં 68 વિકેટ ઝડપી હતી.

તે સિવાય જયદેવ ઉનડકટે એક જ સીઝનમાં સાત વખત પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.