JioStar pulled out of ICC media rights reason: ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2026 પહેલાં જ પ્રસારણને લઈને મોટી મુસીબત ઉભી થઈ છે. ડિઝની+ હોટસ્ટાર અને રિલાયન્સના મર્જર બાદ બનેલી કંપની 'JioStar' એ આર્થિક નુકસાનનું કારણ ધરીને ICC સાથેનો કરાર તોડી નાખ્યો છે. આ નિર્ણયને કારણે ભારતના કરોડો ક્રિકેટ પ્રેમીઓ માટે ટીવી અને મોબાઈલ પર લાઈવ મેચ જોવા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. ICC હવે નવા બ્રોડકાસ્ટરની શોધમાં છે, પરંતુ અન્ય કોઈ મોટી કંપની પણ ઊંચી ફી ચૂકવવા તૈયાર નથી.

Continues below advertisement

ક્રિકેટ મહાકુંભ પહેલાં મોટો ઝટકો: 20 ટીમો વચ્ચે જામશે જંગ

ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત થનારો 2026 T20 વર્લ્ડ કપ હવે બહુ દૂર નથી. 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ચાલનારી આ મેગા ઈવેન્ટમાં વિશ્વભરની કુલ 20 ટીમો ભાગ લેશે. ભારતમાં ક્રિકેટનો ક્રેઝ ચરમસીમાએ હોય છે, પરંતુ આ વખતે ચાહકો માટે માઠા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતના સૌથી મોટા સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટર JioStar એ આ ટુર્નામેન્ટનું પ્રસારણ કરવાનો ઇનકાર કરી દીધો છે, જેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.

Continues below advertisement

JioStar એ કેમ પીછેહઠ કરી? 3 બિલિયન ડોલરનો કરાર અને આર્થિક ગણિત

'ધ ઇકોનોમિક ટાઇમ્સ' ના અહેવાલ મુજબ, JioStar એ ICC ને સ્પષ્ટ જણાવી દીધું છે કે તેઓ 2027 સુધીનો મીડિયા કરાર ચાલુ રાખવા અસમર્થ છે. આ મોટા નિર્ણય પાછળનું મુખ્ય કારણ કંપનીને થઈ રહેલું ભારે આર્થિક નુકસાન છે. ઉલ્લેખનીય છે કે, JioStar એ 2023-2027 સીઝન માટે ICC સાથે અંદાજે 3 બિલિયન ડોલરનો જંગી કરાર કર્યો હતો. પરંતુ હવે તેઓ આ ડીલમાંથી બહાર નીકળવા માંગે છે. બીજી તરફ, ICC એ 2026-2029 સીઝન માટે રાઈટ્સ વેચવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને તેમને 2.4 બિલિયન ડોલર મળવાની અપેક્ષા હતી, ત્યાં જ JioStar ના નિર્ણયે તેમને મોટો આંચકો આપ્યો છે.

સોની, નેટફ્લિક્સ અને એમેઝોનનો પણ નિરસ પ્રતિસાદ

JioStar ના ખસી ગયા બાદ, ICC એ તાત્કાલિક ધોરણે નવા પાર્ટનરની શોધ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ICC એ મીડિયા અધિકારો માટે સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડીયો જેવી જાયન્ટ કંપનીઓનો સંપર્ક કર્યો હતો અને તેમને બિડિંગ (બોલી) માટે આમંત્રણ આપ્યું હતું. જોકે, આ ડીલની રકમ ખૂબ મોટી હોવાથી અને નફાકારકતા ઓછી જણાતી હોવાથી આમાંથી કોઈ પણ પ્લેટફોર્મે હાલમાં રસ દાખવ્યો નથી.

શું ભારતમાં મેચનું લાઈવ પ્રસારણ નહીં થાય?

હાલની સ્થિતિ અત્યંત ગંભીર છે. ICC ને હજુ સુધી કોઈ નવો બ્રોડકાસ્ટર પાર્ટનર મળ્યો નથી. જો આગામી સમયમાં કોઈ કંપની આ રાઈટ્સ ખરીદવા તૈયાર નહીં થાય, તો T20 વર્લ્ડ કપ 2026 ના પ્રસારણ પર સંકટના વાદળો ઘેરાયેલા રહેશે. આવી સ્થિતિમાં, ભારતીય દર્શકો ટીવી કે મોબાઈલ સ્ક્રીન પર લાઈવ મેચો નિહાળવાથી વંચિત રહી જાય તેવી શક્યતાને નકારી શકાય નહીં.