નવી દિલ્હીઃ આઇપીએલ 2009માં રાજસ્થાન રૉયલ્સ માટે ક્રિકેટ રમનારા લેફ્ટ આર્મ ફાસ્ટ બૉલર કામરાન ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કામરાન ખાને ક્રિકેટમાં વાપસી કરવા માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, હાલ તે પોતાના ગામમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. કામરાન ખાને આઇપીએલની બીજી સિઝનમાં પોતાની ફાસ્ટ બૉલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા, પરંતુ બાદમાં તે અચાનક ક્રિકેટમાંથી ગાયબ થઇ ગયો હતો.


કામરાન ખાન છેલ્લા કેટલાય સમયથી તે મુંબઇના સાકી નાકા વિસ્તારમાં રહે છે, અને લૉકડાઉન દરમિયાન તે પોતાની સોસાયટીના પાર્કિંગમાં પ્રેક્ટિસ કરતો હતો, જોકે લોકોને પરેશાની થવાથી, તે હવે પોતાના ગામડામાં ચાલ્યો ગયો છે. ત્યાં જઇને તેને ફરીથી ક્રિકેટની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.



આઇપીએલ 2009માં 140થી સ્પીડથી બૉલિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા, જોકે, બાદમાં તેની બૉલિંગ એક્શન પર સવાલો ઉઠ્યા અને કેરિયર પર પ્રશ્નાર્થ આવી ગયુ હતુ.

ખાસ વાત એ છે કે આઇપીએલ ઇતિહાસમાં પહેલી સુપર ઓવર ફેંકનારો બૉલર કામરાન ખાન છે, તેને 2009માં પહેલી સુપર ઓવર ફેંકી હતી. 2009 અને 2010માં રાજસ્થાન રૉયલ્સનો ભાગ રહ્યાં પછી કામરાન 2011માં પૂણે વૉરિયર્સની ટીમમાં જોડાઇ ગયો હતો. બાદમાં સંદિગ્ધ બૉલિંગ એક્શનના કારણે આઇપીએલથી દુર થવુ પડ્યુ હતુ.