Bengaluru stadium stampede case: ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં (Chinnaswamy Cricket Stadium) થયેલી ભાગદોડના (Stampede) કેસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) ની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. કર્ણાટક સરકારે (Karnataka Government) RCB અને સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સામે ફોજદારી કેસ (Criminal Case) દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે.
ન્યાયિક પંચનો અહેવાલ અને સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ
કર્ણાટક સરકારની કેબિનેટ (Cabinet) બેઠકમાં જસ્ટિસ માઈકલ ડી'કુન્હા (Justice Michael D'Cunha) કમિશનના રિપોર્ટને સ્વીકાર્યા બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિશને તપાસ દરમિયાન RCB અને KSCA માં ઘણી ગેરરીતિઓ અને ગેરવહીવટનો પર્દાફાશ કર્યો છે.
ન્યાયિક પંચનો અહેવાલ 11 જુલાઈના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને (Chief Minister Siddaramaiah) સુપરત કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, 4 જૂનના રોજ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ માટે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), ઇવેન્ટ આયોજકો DNA એન્ટરટેઈનમેન્ટ (DNA Entertainment) અને બેંગલુરુ પોલીસ (Bengaluru Police) સીધા જવાબદાર છે.
ડી'કુન્હા કમિશનને આ મામલાની તપાસ માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, કમિશને સ્થળનું નિરીક્ષણ કર્યું, પ્રત્યક્ષદર્શીઓ, પોલીસ અધિકારીઓ, KSCA અધિકારીઓ અને સરકારી પ્રતિનિધિઓના નિવેદનો નોંધ્યા. પેનલને જાણવા મળ્યું કે સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામીઓ હતી. સ્ટેડિયમની અંદર ફક્ત 79 પોલીસકર્મીઓ તૈનાત હતા, જ્યારે બહાર કોઈ પોલીસ તૈનાત નહોતી. આશ્ચર્યજનક રીતે, ઘટનાસ્થળે કોઈ એમ્બ્યુલન્સ (Ambulance) પણ હાજર નહોતી.
અધિકારીઓની બેદરકારી અને સંકલનનો અભાવ
કર્ણાટક સરકારે ગુરુવારે (17 જુલાઈ 2025) બેંગલુરુમાં થયેલી ભાગદોડ માટે RCB ને સીધો દોષી ઠેરવ્યો છે. હાઈકોર્ટમાં (High Court) રજૂ કરાયેલા પોતાના અહેવાલમાં, સરકારે ઘણી ખામીઓ તરફ ધ્યાન દોર્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે RCB, DNA અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) અસરકારક રીતે સંકલન (Coordination) કરવામાં નિષ્ફળ ગયા હતા.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, પ્રવેશ દ્વાર પર નબળી વ્યવસ્થા અને દ્વાર ખોલવામાં વિલંબને કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી, જેના કારણે ભાગદોડ જેવી પરિસ્થિતિ સર્જાઈ અને સાત પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે મુખ્ય અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી ન હતી. સંયુક્ત પોલીસ કમિશનર (Joint Police Commissioner) સાંજે 4 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યારે પોલીસ કમિશનરને સાંજે 5:30 વાગ્યા સુધી ઘટના વિશે જાણ કરવામાં આવી નહોતી. આ ઘટના સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ગંભીર બેદરકારી અને સંકલનના અભાવને સ્પષ્ટપણે દર્શાવે છે.