નવી દિલ્હીઃ ટી20માં ભારત સામે સૂપડા સાફ થયા બાદ હવે વનડેમાં પણ કિવી ટીમની મુશ્કેલીઓ બંધ થવાનુ નામ નથી લેતી, હવે વનડે સીરીઝ પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ફટકો પડ્યો છે, ટીમનો કેપ્ટન કેન વિલિયમસન પ્રથમ બે વનડેમાંથી બહાર થઇ ગયો છે. રિપોર્ટ છે કે તે પોતાની ઇજાના કારણે પ્રથમ બે વનડે ગુમાવશે.

પાંચ મેચોની ટી20 સીરીઝમાં પ્રથમ ત્રણ ટી20 મેચ રમ્યા બાદ કિવી કેપ્ટન વિલિયમસન અંતિમ બે ટી20માંથી બહાર રહ્યો હતો, કેન વિલિયમસન ઇજાના કારણે હવે પ્રથમ બે વનડેમાંથી પણ બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ વનડે ટીમની કેપ્ટનશીપ ટૉમ લાથમને સોંપવામાં આવી છે. જ્યારે કેન વિલિયમસનની જગ્યાએ ટીમમાં માર્ક ચેપમેનને સામેલ કરવામાં આવ્યો છે.



કિવી ટીમના ફિઝિયોથેરાપિસ્ટ વિજય વલ્લભે કેન વિલિયમસનની ઇજાનુ અપડેટ આપતા કહ્યું કે, હાલ ઇજા પર નજર રાખવામાં આવી રહી છે. વિલિયમસન અંતિમ વનડે સુધી ફિટ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, ત્રણ વનડે મેચોની સીરીઝ બાદ બે ટેસ્ટ મેચોની સીરીઝ પણ રમવાની છે, જેથી કેન વિલિયમસનની ઇજા કિવી ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે.