KL Rahul Century: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને 'મિસ્ટર ડિપેન્ડેબલ' ગણાતા કેએલ રાહુલે (KL Rahul) રાજકોટમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડે મેચમાં ઈતિહાસ રચી દીધો છે. મધ્યમ ક્રમમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે રાહુલે બાજી સંભાળી લીધી હતી અને પોતાની વિસ્ફોટક બેટિંગ (Explosive Batting) વડે ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે માત્ર સદી જ નથી ફટકારી, પરંતુ ભારતીય ક્રિકેટના દિગ્ગજ મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
રાજકોટમાં 'સદી' ફટકારનાર પ્રથમ ભારતીય
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ (Niranjan Shah Stadium) માં આજ સુધી કોઈ ભારતીય બેટ્સમેન વનડે ફોર્મેટમાં ત્રણ આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો ન હતો. કેએલ રાહુલે આ મેદાન પર ઈતિહાસ રચતા 112 રનની અણનમ ઈનિંગ રમી હતી.
રાહુલે માત્ર 87 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી.
આ તેની ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડે સદી છે.
તેની ઈનિંગના જોરે ભારતીય ટીમ 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 284 રનનો સન્માનજનક સ્કોર ખડકી શકી હતી.
સામે પક્ષે ન્યૂઝીલેન્ડ તરફથી ડેબ્યુ કરનાર ક્રિશ્ચિયન ક્લાર્કે 3 વિકેટ ઝડપી હતી.
અઝહરુદ્દીનને પાછળ છોડ્યા
આ સદી સાથે કેએલ રાહુલે પોતાની વનડે કારકિર્દીની 8મી સદી નોંધાવી છે. આ સાથે જ તેણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને પાછળ રાખી દીધા છે.
અઝહરુદ્દીને તેમની 334 મેચની કારકિર્દીમાં 7 સદી ફટકારી હતી.
જ્યારે કેએલ રાહુલે માત્ર 93મી વનડે મેચમાં જ 8 સદી ફટકારીને આ સિદ્ધિ મેળવી લીધી છે.
2 વર્ષનો દુકાળ સમાપ્ત
રાહુલના બેટમાંથી નીકળેલી આ સદીની રાહ ચાહકો લાંબા સમયથી જોઈ રહ્યા હતા. છેલ્લે તેણે નવેમ્બર 2023 માં વર્લ્ડ કપ દરમિયાન બેંગલુરુમાં નેધરલેન્ડ સામે સદી ફટકારી હતી. આમ, બરાબર 2 વર્ષ બાદ તેના બેટમાંથી સદી જોવા મળી છે. રાજકોટમાં રમેલી 92 બોલમાં 112 રનની અણનમ ઈનિંગમાં તેણે 11 ચોગ્ગા અને 1 શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લી ચાર વનડે ઈનિંગ્સમાં આ તેનો ત્રીજો 50+ સ્કોર છે અને તેમાંથી ત્રણ વાર તે નોટ-આઉટ રહ્યો છે.
પુત્રીને સમર્પિત કર્યું સેલિબ્રેશન?
સદી પૂરી કર્યા બાદ કેએલ રાહુલે કરેલા સેલિબ્રેશને (Celebration) સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે મોઢા પર આંગળી રાખીને મૌન ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચાહકો દાવો કરી રહ્યા છે કે રાહુલે આ ખાસ પળ તેની નાની પુત્રીને સમર્પિત કરી છે. નોંધનીય છે કે રાહુલ ગત વર્ષે જ પિતા બન્યો છે.