IND vs SA 1st T20: દક્ષિણ આફ્રિકાની (south africa) ટીમ 5 T20 મેચોની સીરીઝ (India vs South Africa T20) માટે ભારત આવી પહોંચી છે. સીરીઝની પહેલી મેચ 9 જૂને અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium), દિલ્હી ખાતે રમાશે. સીરીઝની પહેલી માટે આજે ભારતીય ટીમ પણ દિલ્હી પહોંચી ગઈ છે. આ સીરીઝ માટે ઘણા સીનિયર ખેલાડીઓ જેવા કે, વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને મહોમ્મદ શમીને આરામ અપાયો છે. ટીમની કમાન કે.એલ રાહુલને સોંપવામાં આવી છે.
રાહુલનું પ્રદર્શન સારું નથી રહ્યુંઃ
કેપ્ટન તરીકે કેએલ રાહુલનું પ્રદર્શન ઘણું સારું નથી રહ્યું. તેણે પોતાની કેપ્ટનશીપનું ડેબ્યું પણ દક્ષિણ આફ્રિકા સામે જ કર્યું હતું. ગયા વર્ષે ભારતીય ટીમ આફ્રિકાના પ્રવાસે પર ગઈ હતી ત્યારે બીજી ટેસ્ટ મેચ દરમિયાન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ રાહુલે ટીમની કમાન સંભાળી હતી. જો કે, ભારત આ ટેસ્ટ મેચ હારી ગયું હતું.
વનડેમાં થયું હતું ક્લીન સ્વીપઃ
ટેસ્ટ સીરીઝ બાદ ત્રણ વડે મેચોની સીરઝમાં પણ ભારતની કેપ્ટનશીપ રાહુલે કરી હતી. કેએલ રાહુલ વનડે પણ ખુબ ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો હતો. આ સીરીઝમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ક્લીન સ્વીપ કર્યું હતું. હવે આફ્રિકા સામે જ કેએલ રાહુલ ટી20 સીરીઝમાં કેપ્ટન તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. રાહુલ આ સીરીઝથી આફ્રિકા સામે મળી રહેલી હારની શ્રૃંખલાને તોડવાનો પ્રયત્ન કરશે. પરંતુ જો કે.એલ રાહુલ આ સીરીઝની પહેલી મેચ હારશે તો એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લેશે.
આમ કરનાર બીજો ભારતીય કેપ્ટન બનશેઃ
કે.એલ રાહુલ આ સીરીઝની પહેલી મેચ હારશે તો, ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચ હારનાર બીજો ભારતીય કેપ્ટન બની જશે. આ પહેલાં આ અનિચ્છનીય રેકોર્ડ વિરાટ કોહલી (Virat Kohli) બનાવી ચુક્યો છે. કોહલી કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં પોતાની પહેલી મેચ હારી ગયો હતો. 2014માં ટેસ્ટ કેપ્ટન તરીકે વિરાટે પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે હારી હતી. જ્યારે 2013માં વિરાટે પોતાની કેપ્ટન તરીકેની પહેલી મેચ શ્રીલંકા સામે રમી હતી જેમાં પણ ભારત હારી ગયું હતું. ત્યાર બાદ 2017માં કોહલીએ ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે ડેબ્યુ મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી અને આ મેચ પણ ભારત હારી ગયું હતું.