KL Rahul statement on spin struggle: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની વનડે શ્રેણીનો પ્રારંભ રાંચીથી થવા જઈ રહ્યો છે. આ પહેલા ભારતીય કેપ્ટન કેએલ રાહુલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે ટીમના પ્રદર્શન અને નબળાઈઓ વિશે નિખાલસતાથી વાત કરી હતી. ઘરઆંગણે સ્પિનરો સામે ભારતીય બેટ્સમેનોના સતત સંઘર્ષ અંગે પૂછવામાં આવતા રાહુલે લાચારી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "આ સમસ્યાનો મારી પાસે હાલ કોઈ ચોક્કસ જવાબ નથી અને રાતોરાત કોઈ ફેરફાર શક્ય નથી." આ ઉપરાંત, તેમણે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાના પુનરાગમનથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો હોવાનું જણાવ્યું હતું.
સ્પિન સામેની નબળાઈ: કેપ્ટને સ્વીકારી વાસ્તવિકતા
તાજેતરમાં ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનો વ્હાઇટવોશ થયો હતો. આ બંને શ્રેણીમાં ભારતીય બેટ્સમેનો વિદેશી સ્પિનરો સામે ઘૂંટણિયે પડી ગયા હતા. રાંચીમાં પત્રકારો સાથે વાત કરતા રાહુલે સ્વીકાર્યું કે, "છેલ્લી કેટલીક સીઝનથી અમે સ્પિન સામે સારું પ્રદર્શન કરી શક્યા નથી. અમે પહેલા સ્પિન સામે મજબૂત હતા, પણ હવે કેમ નથી રમી શકતા, તેનો મારી પાસે હાલ કોઈ 'ચોક્કસ જવાબ' નથી. આપણે માત્ર વ્યક્તિગત રીતે અને એક બેટિંગ યુનિટ તરીકે સુધારો કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ."
"સુધારો એક લાંબી પ્રક્રિયા છે"
રાહુલે સ્પષ્ટ કર્યું કે આ સમસ્યાનો ઉકેલ તાત્કાલિક આવી શકે તેમ નથી. તેમણે કહ્યું, "ટેકનિકલ અને રણનીતિક ફેરફારો રાતોરાત થતા નથી. આ એક લાંબી પ્રક્રિયા છે. અમારે સિનિયર ખેલાડીઓ પાસેથી શીખવું પડશે કે સ્પિન ટ્રેક પર કેવી રીતે રમવું. મને આશા છે કે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની આગામી શ્રેણી સુધીમાં અમે વધુ સારી તૈયારી સાથે મેદાનમાં ઉતરીશું." ખેલાડીઓએ વ્યક્તિગત રીતે પોતાની ટેકનિકમાં સુધારો કરવો પડશે તેવો મત પણ તેમણે વ્યક્ત કર્યો.
રોહિત અને વિરાટની વાપસીથી ટીમમાં જોશ
ટીમના બે મુખ્ય આધારસ્તંભ રોહિત શર્મા અને વિરાટ કોહલી વનડે ટીમમાં પરત ફર્યા છે. આ અંગે રાહુલે કહ્યું કે, "બંનેનું ટીમમાં હોવું ખૂબ મહત્વનું છે. જ્યારે ડ્રેસિંગ રૂમમાં આવા અનુભવી ખેલાડીઓ હોય ત્યારે યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે છે." વિરાટ કોહલીના ફોર્મ વિશે વાત કરતા રાહુલે કહ્યું કે વનડે ક્રિકેટમાં સ્ટ્રાઈક રોટેટ કરવી ચોગ્ગા-છગ્ગા જેટલી જ મહત્વની છે અને વિરાટ તેમાં માસ્ટર છે. અમે બધા તેમની પાસેથી શીખતા રહીએ છીએ.
જાડેજાનું કમબેક અને પંત પર સસ્પેન્સ
માર્ચ મહિના બાદ રવિન્દ્ર જાડેજા વનડે ફોર્મેટમાં વાપસી કરી રહ્યા છે. રાહુલે 'જાડુ' (જાડેજા) ના અનુભવને ટીમ માટે અમૂલ્ય ગણાવ્યો હતો. બીજી તરફ, પ્લેઈંગ 11 અંગે સંકેત આપતા રાહુલે કહ્યું કે ઋષભ પંત રમે તેવી શક્યતા ઓછી છે. પ્રેક્ટિસ સેશનમાં રાહુલે પોતે વિકેટકીપિંગ કર્યું હતું, જે સૂચવે છે કે પંત કદાચ બહાર બેસશે. આ ઉપરાંત, ટોપ ઓર્ડર સેટ હોવાને કારણે ઋતુરાજ ગાયકવાડને પણ તક માટે રાહ જોવી પડી શકે છે.