IND vs NZ 2nd Test KL Rahul: ટીમ ઈન્ડિયાએ બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં 8 વિકેટે હાર થઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગ્સમાં ખરાબ રીતે ફ્લોપ થઈને માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં ટીમ માટે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરનાર કેએલ રાહુલ (KL Rahul) પણ સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા. આવી સ્થિતિમાં કેએલ રાહુલની પુણેમાં ન્યૂઝીલેન્ડ સામે રમાનારી બીજી ટેસ્ટમાંથી પત્તુ કપાઈ શકે છે.
માત્ર કેએલ રાહુલ જ નહીં, પુણેમાં ન્યૂઝીલેન્ડ સામે રમાનારી બીજી ટેસ્ટમાંથી ટીમ ઈન્ડિયામાં સ્પિનર કુલદીપ યાદવની પણ પત્તુ કપાઈ શકે છે. ભલે કુલદીપે બેંગલુરુ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 3 વિકેટ ઝડપી, પરંતુ પિચને ધ્યાનમાં રાખીને કુલદીપની જગ્યાએ રોહિત શર્મા ત્રીજા પેસર તરીકે આકાશ દીપને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપી શકે છે. બેંગલુરુ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ પુણે ટેસ્ટમાંથી બહાર રહી શકે છે.
રાહુલ અને પંતનો રિપ્લેસમેન્ટ કોણ?
જો કેએલ રાહુલને પુણેમાં ન્યૂઝીલેન્ડ સામે રમાનારી બીજી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવે છે, તો તેમની જગ્યાએ શુભમન ગિલને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. ઋષભ પંતની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને તક મળી શકે છે. જુરેલ અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે ત્રણ ટેસ્ટ રમી ચૂક્યો છે.
ભારત-ન્યૂઝીલેન્ડની બીજી ટેસ્ટ ક્યારે રમાશે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમાવાની છે. બેંગલુરુમાં પ્રથમ ટેસ્ટ રમાયા બાદ હવે બંને ટીમો સીરીઝની બીજી ટેસ્ટ માટે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આમને-સામને થશે. બીજી ટેસ્ટ 24થી 28 ઓક્ટોબર દરમિયાન રમાશે. પછી સીરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈમાં રમાનારી સીરીઝની અંતિમ ટેસ્ટ 01થી 05 નવેમ્બર દરમિયાન રમાશે.
નોંધનીય છે કે, બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને પ્રથમ ઇનિંગ્સમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પછી પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગ માટે ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમે 402 રન બોર્ડ પર લગાવ્યા. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઇનિંગ્સમાં 462 રન બનાવીને ન્યુઝીલેન્ડ સામે 107 રનનો લક્ષ્યાંક મૂક્યો. લક્ષ્યાંકનો પીછો કરતાં કીવી ટીમે 110/2 રન બનાવીને 8 વિકેટથી જીત પોતાના ખાતામાં નોંધાવી લીધી.
વાસ્તવમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો. ટીમ ઈન્ડિયા આ દરમિયાન પ્રથમ ઇનિંગ્સમાં 46 રનના સ્કોર પર સમેટાઈ ગઈ. રોહિતે ઇનિંગ્સ પછી પોતે જ કહ્યું કે તેમણે પિચને સમજવામાં ભૂલ કરી દીધી. આ જ ભારતની હારનું મહત્વનું કારણ બની ગયું. જો ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરતી તો પરિણામ કંઈક અલગ હોઈ શકતું હતું. જોકે ભારતે બીજી ઇનિંગ્સમાં કમબેક કર્યું અને 462 રન બનાવ્યા. પરંતુ આનાથી જીત ન મળી શકી.
આ પણ વાંચોઃ
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયામાં ફેરફાર! આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી