બુધવારથી ઑસ્ટ્રેલિયા સામે શરૂ થઈ રહેલી ઇન્દોર ટેસ્ટ પહેલા કેએલ રાહુલ ચર્ચાનો વિષય બની રહ્યો છે. ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં સવાલ એ છે કે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા રાહુલને પ્લેઈંગ 11માં સ્થાન મળશે કે નહીં. રાહુલને સ્થાન મળવાની શક્યતાઓ પણ ઓછી થઈ ગઈ છે કારણ કે તેને છેલ્લી બે ટેસ્ટ માટે વાઇસ કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. મેચના એક દિવસ પહેલા જ કેપ્ટન રોહિત શર્માએ કેએલ રાહુલને વાઇસ કેપ્ટન્સીથી હટાવવાનું કારણ આપ્યું છે.
કેએલ રાહુલને પ્રથમ બે ટેસ્ટ માટે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ રાહુલે ખરાબ પ્રદર્શન કરતા પસંદગીકારોએ તેને ટીમમાં રાખ્યો, પરંતુ તેની પાસેથી વાઇસ કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી હતી. આ અંગે રોહિત શર્માએ પોતાનું મૌન તોડ્યું અને કહ્યું હતું કે, કેએલ રાહુલને વાઇસ કેપ્ટન પદેથી હટાવવાનો કોઈ અર્થ નથી. આ વાતને વધારે મહત્વ ન આપવું જોઈએ.
રોહિત શર્માના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કેએલ રાહુલને ખરાબ સમયમાં કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટનો સંપૂર્ણ સમર્થન છે. જો કે, પ્લેઇંગ 11માં કેએલ રાહુલના સાતત્ય પર પ્રશ્ન રહે છે. કોચ રાહુલ દ્રવિડે પ્રેક્ટિસ સેશન દરમિયાન શુભમન ગિલ સાથે ઘણો સમય વિતાવ્યો હતો. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ગિલ ત્રીજી ટેસ્ટમાં રાહુલનું સ્થાન લઈ શકે છે.
કેએલ રાહુલ પછી ટીમને કોઈ નવો વાઇસ કેપ્ટન મળ્યો નથી. બીસીસીઆઈએ ટીમની જાહેરાત કરતી વખતે કોઈને વાઇસ કેપ્ટન બનાવ્યો નથી. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે વાઈસ કેપ્ટન નિયુક્ત કરવાનો અધિકાર કેપ્ટન રોહિત શર્મા પાસે હશે. પૂજારા, અશ્વિન અને જાડેજાને વાઇસ કેપ્ટનશિપના દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. ત્રીજી ટેસ્ટમાં આ ત્રણમાંથી કોઈ એક વાઇસ કેપ્ટનશિપની જવાબદારી સંભાળતો જોવા મળી શકે છે.