ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમી રહેલી ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ હાલમાં રણજી ટ્રોફીમાં પોતાની તાકાત બતાવી રહ્યા છે. આમાં રોહિત શર્મા, શુભમન ગિલ, ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ પણ ટૂંક સમયમાં કર્ણાટક માટે રણજી ટ્રોફી રમતો જોવા મળી શકે છે.


શું કેએલ રાહુલ રણજી ટ્રોફીમાં કર્ણાટક તરફથી રમશે?


કેએલ રાહુલ હવે રણજી ટ્રોફીના છેલ્લા ગ્રુપ સ્ટેજ મેચમાં કર્ણાટક તરફથી રમતા જોવા મળશે. આ મેચ 30 જાન્યુઆરીથી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે હરિયાણા સામે રમાશે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) ના પ્રમુખ રઘુરામ ભટે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ડોટ કોમ સાથેની વાતમાં રાહુલની ઉપલબ્ધતાની પુષ્ટી કરી હતી. ભટે કહ્યું હતું કે, "હું અત્યારે બેંગલુરુમાં નથી પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ કેએલ રાહુલ આ મહત્વપૂર્ણ મેચ માટે ઉપલબ્ધ રહેશે."


કેએલ રાહુલ રણજી ટ્રોફી રેકોર્ડ


કેએલ રાહુલે રણજી ટ્રોફીમાં કર્ણાટક માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. 2013-14 સીઝનમાં તેણે ત્રણ સદી અને ત્રણ અડધી સદી સહિત કુલ 1033 રન બનાવ્યા હતા. તે સીઝનના ફાઇનલમાં તેના પ્રદર્શન માટે તેને "મેન ઓફ ધ મેચ" નું ટાઇટલ મળ્યો હતો. 2014-15 સીઝનમાં રાહુલે ઉત્તર પ્રદેશ સામે 337 રન ફટકાર્યા હતા. જે કર્ણાટકની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પહેલી ત્રેવડી સદી હતી. પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીમાં કેએલ રાહુલે અત્યાર સુધીમાં 103 મેચ રમી છે, જેમાં તેણે 7262 રન બનાવ્યા છે. આમાં 18 સદી અને 36 અડધી સદીનો સમાવેશ થાય છે, અને તેની બેટિંગ સરેરાશ 42.71 છે.


અન્ય ખેલાડીઓ પણ મેદાનમાં ઉતરશે


કેએલ રાહુલ ઉપરાંત બીજા ઘણા મોટા ખેલાડીઓ પણ આગામી રાઉન્ડમાં રણજી ટ્રોફીમાં ભાગ લેશે. ભારતીય ટીમનો ઝડપી બોલર મોહમ્મદ સિરાજ હૈદરાબાદ તરફથી રમશે, જ્યારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 13 વર્ષ પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પાછો ફરશે. રવિન્દ્ર જાડેજા ફિટ છે અને સૌરાષ્ટ્ર ટીમમાં આસામ સામેની મેચ રમવા માટે તૈયાર છે. રિયાન પરાગ પણ ઈજામાંથી સ્વસ્થ થયા પછી આ મેચમાં વાપસી કરશે.


Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ