ICC Rankings: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્ધારા બુધવારે નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. વન-ડે રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી એ પોતાની સ્થિતિ મજબૂત કરી છે. તે નંબર-2  પર પહોંચી ગયો છે. નંબર વન પર હજુ પણ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ છે.


 






વન-ડે રેન્કિંગની લિસ્ટમાં ટોપ 3માં બે ભારતીય બેટ્સમેનો સામેલ છે. બીજા નંબર પર વિરાટ કોહલી તો ત્રીજા નંબર પર રોહિત શર્મા છે. રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામે રમાયેલી વન-ડે સીરિઝમાં રમ્યો નહોતો જ્યારે વિરાટ કોહલીએ બે અડધી સદી ફટકારી હતી. એવામાં તેના પોઇન્ટ્સ વધ્યા છે.


 આઇસીસીની રેન્કિંગ અનુસાર બાબર આઝમના 873 રેટિંગ્સ છે. વિરાટ કોહલીના 836 અને રોહિત શર્માના 801 રેટિંગ સાથે ત્રીજા સ્થાન પર છે. જો વન-ડેમાં બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ જ ટોપ 10માં સામેલ છે જે એકમાત્ર ભારતીય છે. બુમરાહ સાતમા નંબર પર છે.


જો ટી-20 રેન્કિંગની વાત કરીએ તો બેટ્સમેનેના લિસ્ટમાં  કેએલ રાહુલ, વિરાટ કોહલી ટોપ 10માં સામેલ છે. રાહુલ પાંચમા સ્થાન પર છે અને વિરાટ કોહલી 10મા સ્થાન પર છે જ્યારે ટી-20ની બોલિંગ અને ઓલરાઉન્ડરની ટોપ 10ની લિસ્ટમાં એક પણ ભારતીય સામેલ નથી.


નોંધનીય છે કે રોહિત શર્મા સાઉથ આફ્રિકાના પ્રવાસમાં સામેલ નહોતો. એવામાં તે હવે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ યોજાનારી વન-ડે અને ટી-20 સીરિઝમાં સામેલ થશે. રોહિત શર્મા પાસે પોતાની રેટિંગ્સમાં સુધારો કરવાની તક છે.