Kuldeap Yadav Argues with Rohit Sharma: ટીમ ઈન્ડિયાના સ્પિનર ​​કુલદીપ યાદવ જેને ચાઈનામેન તરીકે ઓળખવામાં આવે છે, તે સામાન્ય રીતે ખૂબ જ શાંત અને પોતાના કામમાં મન લગાવતો જોવા મળે છે, પરંતુ ગઈકાલે રાત્રે તે અલગ મૂડમાં જોવા મળ્યો હતો. તે ચાલુ મેચ કેપ્ટન રોહિત શર્મા સાથે બબાલમાં ઉતરી ગયો હતો. લખનઉના ઇકાના સ્ટેડિયમમાંથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેપ્ટન રોહિત શર્મા અને ચાઇનામેન કુલદીપ બબાલ કરતાં દેખાઇ રહ્યાં છે. આ દ્રશ્ય ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન 24મી ઓવરમાં જોવા મળ્યું હતું.


ખરેખરમાં, 22મી ઓવરમાં લિયામ લિવિંગસ્ટૉન કુલદીપનો એક બૉલ સંપૂર્ણપણે ચૂકી ગયો. આ બૉલ પેડ પર વાગ્યો અને કુલદીપે LBW માટે જોરદાર અપીલ કરી. એમ્પાયરે અહીં નૉટ આઉટનો સંકેત આપ્યો હતો. આ પછી કુલદીપે કેપ્ટન રોહિતને રિવ્યૂ લેવા માટે પણ કહ્યું પરંતુ રોહિતે તેમ કર્યું નહીં. બાદમાં 24મી ઓવરમાં આ બૉલનો રિપ્લે બતાવવામાં આવ્યો હતો. જ્યારે મેદાનમાં મોટી સ્ક્રીન પરના રિપ્લેમાં લિવિંગસ્ટૉનને સ્પષ્ટ રીતે બહાર બતાવવામાં આવ્યો હતો, ત્યારે કુલદીપ સીધો રોહિત પાસે ગયો અને રિવ્યૂ ન લેવાની ફરિયાદ કરી હતી.


આ પછી રોહિત શર્મા પણ તેના પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. અંતે કુલદીપ તેની ફિલ્ડ પૉઝિશન પર પાછો ફર્યો હતો. આ દરમિયાન કૉમેન્ટેટર્સ પણ એવું કહેતા સાંભળવા મળ્યા કે તમે કેપ્ટન સાથે દલીલ ના કરી શકો, તે જ ટીમની પસંદગી કરે છે. આ વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.






ઉલ્લેખનીય છે કે, 5 ઓવર પછી કુલદીપે જ લિવિંગસ્ટૉનને પેવેલિયન મોકલ્યો હતો. તેને 30મી ઓવરના બીજા બૉલ પર લિવિંગસ્ટૉનને LBW આઉટ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચ 100 રનના જંગી અંતરથી જીતી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ પૉઈન્ટ ટેબલમાં ફરી ટોપ પર પહોંચી ગઈ છે.