T20 World Cup Qualifier Mongolia vs Singapore: ગુરુવારે ટી20 વર્લ્ડ કપ એશિયન ક્વોલિફાયર્સમાં મંગોલિયા અને સિંગાપોરની મેચ થઈ, જેમાં મંગોલિયાના નામે અત્યંત શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. આ ક્વોલિફાયર મુકાબલાઓ મલેશિયામાં રમાઈ રહ્યા છે, જ્યાં મંગોલિયાની ટીમ પ્રથમ બેટિંગ કરતાં માત્ર 10 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. આની સાથે મંગોલિયા હવે કોઈ આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં સૌથી ઓછો સ્કોર બનાવવાના મામલામાં આઈલ ઓફ મેન સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને આવી ગયું છે.


મંગોલિયાના પાંચ બેટ્સમેન તો ખાતું પણ ખોલી શક્યા નહીં. જ્યારે ચાર બેટ્સમેને એક રન અને બે બેટ્સમેને બે બે રન બનાવ્યા. ખેલાડીઓએ તો માત્ર 8 રન બનાવ્યા, બાકીના બે રન વાઈડથી આવ્યા. માત્ર 4 રન સુધીમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી હતી અને મંગોલિયન ટીમ કોઈક રીતે 10 રનનો આંકડો સ્પર્શી શકી.


સિંગાપોરે 5 બોલમાં કરી નાખ્યો કમાલ


સિંગાપોરને માત્ર 11 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ કેપ્ટન મનપ્રીત સિંહ પારીની પ્રથમ બોલ પર જ ગોલ્ડન ડક નો શિકાર થઈ ગયા. પરંતુ ત્યારબાદ વિલિયમ સિમ્પસન અને રાઉલ શર્માએ આગામી ચાર બોલમાં જ પોતાની ટીમને જીત અપાવી દીધી. સિમ્પસને ચોગ્ગો મારીને પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરી.


મંગોલિયાનો ઇતિહાસ બહુ ખરાબ રહ્યો છે


મંગોલિયન ટીમનો ઇતિહાસ ખૂબ જ ખરાબ રહ્યો છે કારણ કે આ ટીમ આજ સુધી કુલ 7 વાર ટી20 ક્રિકેટમાં 50થી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ચૂકી છે. જ્યારે ત્રણ પ્રસંગોએ તો આ ટીમ પારીમાં 20 રન પણ બનાવી શકી નહોતી. આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટના ઇતિહાસમાં ચાર સૌથી ઓછા સ્કોરમાંથી ત્રણ મંગોલિયાના જ નામે છે. આ જ વર્ષે મેમાં મંગોલિયા, જાપાન સામે 12 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. થોડા દિવસો પહેલા જ, 31 ઓગસ્ટે હોંગકોંગે આ ટીમને 17 રનમાં સમેટી દીધી હતી.


11 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી સિંગાપોરની ટીમે ઇનિંગના પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી દીધી હતી. અહીં કેપ્ટન મનપ્રીત સિંહ શૂન્ય પર આઉટ થયો હતો. તેના સ્થાને આવેલા રાઉલ શર્માએ તેના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી. ત્યારબાદ ફરી વિલિયમ સિમ્પસને પ્રથમ ઓવરના 5માં બોલ પર વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. મંગોલિયા હવે તમામ 4 મેચ હારી ગયું છે. ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.


આ પણ વાંચોઃ


ગુજરાતમાં ગુટકા, તમાકુ અને પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો