ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પાંચ ટેસ્ટ મેચોની એશિઝ શ્રેણી બાદ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઘણા મોટા ફેરફારો થયા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટને રેન્કિંગમાં સૌથી વધુ ફાયદો થયો છે. જોકે કેન વિલિયમ્સન બેટ્સમેનોના રેન્કિંગમાં નંબર વન પર યથાવત છે. કેન વિલિયમ્સનના 883 પોઈન્ટ છે. બોલરોના રેન્કિંગમાં અત્યારે ભારતના સ્ટાર સ્પિનર આર.અશ્વિનને કોઈ હરાવી શકે તેમ નથી.
જો રૂટને એશિઝ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે એવોર્ડ મળ્યો છે. 859 પોઈન્ટ સાથે જો રૂટ રેન્કિંગમાં બીજા સ્થાને આવી ગયો છે. સ્ટીવ સ્મિથને બે સ્થાનનો ફાયદો મળ્યો છે. એશિઝ બાદ સ્ટીવ સ્મિથ 842 પોઈન્ટ સાથે રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. સીરિઝની શરૂઆત પહેલા પ્રથમ સ્થાન પર રહેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાબુશેન હવે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. હેડને પણ બે સ્થાનનું નુકસાન થયું છે અને તે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. બેટ્સમેનોની રેન્કિંગમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા 759 પોઈન્ટ સાથે 10મા સ્થાને છે.
બોલરોની વાત કરીએ તો આર અશ્વિન 879 પોઈન્ટ સાથે નંબર વન પર છે. રબાડા બીજા અને જાડેજા ત્રીજા સ્થાને છે. સ્ટુઅર્ટ બ્રોડે નંબર ચોથા સ્થાન સાથે તેની કારકિર્દીનો અંત કર્યો હતો. એક વર્ષથી ક્રિકેટથી દૂર હોવા છતાં જસપ્રીત બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં 10માં નંબર પર યથાવત છે.
જાડેજા અને અશ્વિનનો દબદબો યથાવત
ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનનો દબદબો યથાવત છે. જાડેજા 455 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. આર અશ્વિન 370 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. શાકિબ અલ હસન ત્રીજા નંબર પર યથાવત છે. ભારતનો અન્ય ઓલરાઉન્ડર અક્ષર પટેલ 298 પોઈન્ટ સાથે ટોપ 5માં યથાવત છે.
ટીમ રેન્કિંગની વાત કરીએ તો ભારત 118 પોઈન્ટ સાથે નંબર વન પર યથાવત છે. ઓસ્ટ્રેલિયાના પણ 118 પોઈન્ટ છે પરંતુ તે બીજા નંબર પર છે. જોકે ઈંગ્લેન્ડ 115 પોઈન્ટ સાથે રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે.