Manoj Tiwary Team India: આગામી સમયમાં આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ ભારતમાં રમાવવાનો છે, આ બધાની વચ્ચે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક મોટો ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મનોજ તિવારીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેને સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. મનોજે ટીમ ઈન્ડિયા માટે 12 ODI અને 3 T20 મેચ રમી છે. તેને ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ 2015માં રમી હતી. તે ઘરેલું મેચોમાં બંગાળ માટે રમી રહ્યો હતો. સ્થાનિક ક્રિકેટમાં મનોજનો રેકોર્ડ સારો છે.


મનોજ તિવારીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરવાની સાથે એક લાંબી પૉસ્ટ પણ લખી છે. તેને લખ્યું, "ક્રિકેટની રમતને અલવિદા. આ રમતે મને બધું આપ્યું. મેં જેનું સપનું જોયું, આ રમતે મને બધું આપ્યું. બાળપણથી જ મને કોચિંગ આપનારા તમામ કોચનો આભાર. આ બધાએ મારી સિદ્ધિઓમાં મહત્વની ભૂમિકા ભજવી છે. મારા કોચ માનવેન્દ્ર ઘોષ મારી ક્રિકેટની સફરમાં આધારસ્તંભની જેમ ઉભા હતા. મારા માતા-પિતાનો આભાર. બંનેએ ક્યારેય મારા પર અભ્યાસ કે અન્ય કોઈ પ્રકારનું દબાણ કર્યું નથી. મારી પત્નીનો આભાર. તે દરેક પરિસ્થિતિમાં હંમેશા મારી સાથે હતી.






ઉલ્લેખનીય છે કે, મનોજે ભારત માટે 12 વનડે રમી હતી. આ દરમિયાન 287 રન બનાવ્યા હતા. તેને એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. તેને 3 ટી20 મેચ પણ રમી છે. તેને 141 ફર્સ્ટ ક્લાસ મેચમાં 9908 રન બનાવ્યા છે. તેને આ ફોર્મેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કૉર અણનમ 303 રહ્યો છે. મનોજે આ ફોર્મેટમાં 29 સદી અને 45 અડધી સદી ફટકારી છે. તેને લિસ્ટ Aની 169 મેચમાં 5581 રન બનાવ્યા છે. જેમાં તેને 6 સદી અને 40 અડધી સદી ફટકારી છે. મનોજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. તેને 98 IPL મેચમાં 1695 રન બનાવ્યા છે. મનોજે ભારત માટે છેલ્લી વનડે જુલાઈ 2015માં ઝિમ્બાબ્વે સામે રમી હતી. અને છેલ્લી ટી20 મેચ સપ્ટેમ્બર 2012માં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ હતી.