પર્થઃ વર્લ્ડકપની તૈયારીઓને મજબૂત કરવા ઈંગ્લિશ ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. છેલ્લી ઓવરમાં ઇગ્લેન્ડની ટીમે 8 રનથી જીત મેળવી હતી. આ દરમિયાન એક વિચિત્ર ઘટના પણ બની હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર ફરી એકવાર શરમજનક હરકત કરવાનો આરોપ લાગ્યો છે. મેથ્યુ વેડને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
આ ઘટના બીજી ઇનિંગની 17મી ઓવરમાં બની હતી. ઇગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા જોસ બટલર અને એલેક્સ હેલ્સની ઇનિંગ્સની મદદથી 6 વિકેટે 208 રન બનાવ્યા હતા. 209 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી કાંગારૂ ટીમની શરૂઆત સારી રહી ન હતી. કેમરૂન ગ્રીન સસ્તામાં આઉટ થઇ ગયો હતો પરંતુ ડેવિડ વોર્નર, મિશેલ માર્શ અને માર્કસ સ્ટોઈનિસે ઓસ્ટ્રેલિયાની જીતની શક્યતાઓ વધારી હતી.
છેલ્લી 4 ઓવરમાં 40 રનની જરૂર હતી. ઓપનિંગ કરવા આવેલા વોર્નર સ્ટ્રાઈક પર હતો. પ્રથમ બોલ પર સિંગલ લીધો હતો. હવે ક્રિઝ પર વિકેટ કીપર બેટ્સમેન મેથ્યુ વેડ હતો. વેડે પુલ શોટ રમવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. બોલ તેના હેલ્મેટને અથડાઇને હવામાં ઉછળ્યો હતો. ત્યારે વુડ કેચ પકડવા દોડ્યો હતો પરંતુ મેથ્યુ વેડે ડાબા હાથથી માર્ક વુડને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ વિવાદ ઉભો કર્યો છે.
છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. મેથ્યુ વેડ 15 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા નવ વિકેટના નુકસાને માત્ર 200 રન જ બનાવી શકી હતી અને મેચ આઠ રનથી હારી ગયુ હતું. ઈંગ્લેન્ડ તરફથી માર્ક વૂડ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ લીધી હતી. રીસ ટોપલી-સેમ કરને 2-2 વિકેટ મળી હતી. સ્પિનર આદિલ રાશિદે એક વિકેટ ઝડપી હતી.