નવી દિલ્હીઃ મિચેલ બ્રેસવેલે (Michael Bracewell) ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બની ગયો છે. ન્યૂઝીલેન્ડના ઓફ સ્પિનર બ્રેસવેલે આયરલેન્ડ (IRE vs NZ) સામેની બીજી T20માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. પોતાની કારકિર્દીની બીજી T20 રમી રહેલા બ્રેસવેલે 5 બોલમાં 3 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડને 88 રનથી મોટી જીત અપાવી હતી. મેચમાં પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 4 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં યજમાન આયરલેન્ડની ટીમ 13.5 ઓવરમાં 91 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે ન્યૂઝિલેન્ડની ટીમે ત્રણ મેચની સીરિઝમાં 2-0ની અજેય સરસાઇ હાંસલ કરી લીધી હતી.
31 વર્ષીય મિશેલ બ્રેસવેલ તેની T20 ઈન્ટરનેશનલ કરિયરની બીજી મેચ રમી રહ્યો હતો. તેને પ્રથમ મેચમાં બોલિંગ કરવાની તક મળી ન હતી. જ્યારે તે બોલિંગ કરવા આવ્યો ત્યારે આયરલેન્ડનો સ્કોર 7 વિકેટે 86 રન હતો. મૈગર્થીએ તેની પ્રથમ ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો અને પછી બીજા બોલ પર રન લીધો. ત્રીજા બોલ પર માર્ક એડાયર, ચોથા બોલ પર મૌગર્થી પણ ફિલિપના હાથમાં કેચઆઉટ થયો હતો.
હવે બ્રેસવેલ પાસે હેટ્રિક લેવાની તક હતી. ક્રેગ યંગે 5માં બોલ પર શોટ રમ્યો હતો અને તે બેકવર્ડ પોઈન્ટ પર ઈશ સોઢીના હાથે કેચ આઉટ થયો હતો. આ રીતે હેટ્રિક પૂરી કરી હતી. બ્રેસવેલ ટી20માં હેટ્રિક લેનારો ન્યૂઝીલેન્ડનો ત્રીજો બોલર છે. આ પહેલા જેકબ ઓરમ અને ટિમ સાઉથી આ કારનામું કરી ચુક્યા છે. અગાઉ, ડેન ક્લીવરે ન્યૂઝીલેન્ડ માટે અણનમ 78 રન ફટકારીને સ્કોર 180 રનની નજીક પહોંચાડ્યો હતો. તેણે 55 બોલનો સામનો કર્યો હતો. જેમાં તેણે પાંચ ચોગ્ગા અને છ સિક્સ ફટકારી હતી. આ સિવાય ફિન એલને પણ 20 બોલમાં 35 રન બનાવ્યા હતા.
જવાબમાં આયરલેન્ડનો સ્કોર એક સમયે વિના વિકેટે 23 રન હતો, પરંતુ ટીમે પછીના 22 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ રીતે સ્કોર 5 વિકેટે 45 રન થઇ ગયો હતો. માર્ક એડાયરે સૌથી વધુ 27 રન બનાવ્યા હતા. લેગ સ્પિનર ઈશ સોઢીને પણ 3 વિકેટ મળી હતી. આ સિવાય જૈકબ ડફીએ પણ 2 વિકેટ ઝડપી હતી. સીરીઝની અંતિમ મેચ 22 જુલાઈએ રમાશે. આ પહેલા ન્યૂઝીલેન્ડે પણ વનડે શ્રેણી 3-0થી કબજે કરી હતી.