Moeen Ali Test Retirement: ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મોઈન હાલમાં IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. મોઇનનું કહેવું છે કે તે મર્યાદિત ઓવરોની ક્રિકેટ પર વધુ ધ્યાન આપવા માંગે છે, તેથી તે ટેસ્ટમાંથી નિવૃત્તિ લઇ રહ્યો છે. જો કે ઓસ્ટ્રેલિયા સામેની આગામી એશિઝ શ્રેણી પહેલા મોઈનના નિવૃત્તિના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું છે.


તાજેતરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં મોઈન પણ તેની ટીમનો એક ભાગ હતો. રિપોર્ટ અનુસાર, મોઈને ગયા અઠવાડિયે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અને કોચ સિલ્વરવુડને ટેસ્ટ ક્રિકેટ છોડવાના તેના નિર્ણય વિશે જાણ કરી હતી.


એશિઝ માટે ઓસ્ટ્રેલિયામાં કોરેન્ટાઈનના નિયમ બન્યું મોટું કારણ


મોઇન અલીનું કહેવું છે કે તે હવે તેનું ધ્યાન મર્યાદિત ઓવરોની ક્રિકેટ પર કેન્દ્રિત કરવા માંગે છે. જો કે, તેમની નિવૃત્તિનું એક મોટું કારણ ઓસ્ટ્રેલિયામાં એશિઝ શ્રેણી દરમિયાન કોરેન્ટાઈનના કડક નિયમો હોવાનું પણ માનવામાં આવે છે. મોઈન અલી હવે નિષ્ણાત ખેલાડી તરીકે વનડે અને ટી-20 માં પોતાનું સ્થાન બનાવવા માંગે છે. ઇંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટ પણ તેને આઇપીએલ બાદ યોજાનારા ટી 20 વર્લ્ડકપનો મહત્વનો ભાગ માની રહ્યો છે.


રુટ અને સિલ્વરવુડ મોઈનના યોગદાનને બિરદાવે છે


ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અને કોચ સિલ્વરવુડે ટેસ્ટ મેચોમાં ટીમમાં મોઈનના યોગદાનની પ્રશંસા કરી હતી. મોઈન અલીની ટેસ્ટ કારકિર્દી સાત વર્ષની હતી જે દરમિયાન તેણે 64 મેચ રમી હતી. તેણે વર્ષ 2014માં શ્રીલંકા સામે લોર્ડ્સમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. મોઇન અલી પાસે ટેસ્ટમાં 3000 રન અને 200 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરવાની તક હતી. મોઇન આવું કરનારો વિશ્વનો 15 મો ખેલાડી હોત. જો કે, તે 84 રન અને પાંચ વિકેટથી આ રેકોર્ડ પાછળ પડી ગયો.


મોઈનની ટેસ્ટ કારકિર્દી આવી હતી


મોઇન તેની કારકિર્દીમાં કુલ 64 ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ માટે રમ્યો હતો. 64 ટેસ્ટ મેચની 111 ઇનિંગ્સમાં મોઈને 28.29ની સરેરાશથી 2914 રન બનાવ્યા હતા. જેમાં પાંચ સદી અને 14 અડધી સદી સામેલ છે. મોઈનની ટેસ્ટમાં શ્રેષ્ઠ ઈનિંગ 155 રન છે. ખાસ વાત એ છે કે મોઈને પોતાની ટેસ્ટ કારકિર્દી દરમિયાન નંબર વનથી નવમા ક્રમે બેટિંગ કરી છે.


બોલિંગમાં મોઈને 36.66 ની સરેરાશ અને 60.79 ની સ્ટ્રાઈક રેટથી 195 વિકેટ લીધી હતી. તેણે એક ઇનિંગમાં પાંચ વખત 5 વિકેટ અને એક વખત ટેસ્ટમાં દસ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. એક ઇનિંગમાં તેની શ્રેષ્ઠ બોલિંગ ફિગર 53 રનમાં 6 વિકેટ છે. જ્યારે મેચમાં તેની શ્રેષ્ઠ બોલિંગ ફિગર 112 રનમાં 10 વિકેટ છે. ગ્રીમ સ્વાન અને ડેરિક અંડરવુડ બાદ મોઇન ઇંગ્લેન્ડનો ત્રીજો સૌથી સફળ બોલર છે.