પાકિસ્તાનમાં આ સમયે રાજકીય સંકટ ચાલી રહ્યું છે. દેશમાં ઈમરાન ખાનની સરકાર પડી ગઈ છે. જે બાદ એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે પીસીબીના ચેરમેન રમીઝ રાજા પણ પોતાનું પદ છોડી શકે છે. જે બાદ એવી અટકળો ચાલી રહી છે કે ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે.


ડિસેમ્બર 2020માં લીધી હતી નિવૃત્તિ


પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે પોતાની કેરિયરમાં 36 ટેસ્ટ,61 વન ડે અને 50 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, મોહમ્મદ આમિર રાજાના રાજીનામા આપ્યા બાદ પોતાના નિવૃત્તિના નિર્ણય પર ફરી વિચાર કરી શકે છે. ડિસેમ્બર 2020માં આમિરે એમ કહીને નિવૃત્તિ જાહેર કરી હતી કે મને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, હું હાલ માટે ક્રિકેટથી દૂર જઈ રહ્યો છુ, કેમ કે મને માનસિક રીતે વધુ પરેશાન કરવામાં આવી રહ્યો છે.


તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, મને નથી લાગતું કે, હું આ વસ્તુને લાંબા સમય સુધી સહન કરી શકું. મે 2010થી 2015ની વચ્ચે ઘણી સમસ્યાનો સામનો કર્યો છે. મને એમ કહીને હેરાન કરવામાં આવી રહ્યો છે કે પીસીબીએ મારા ઉપર ઘણુ રોકાણ કર્યું છે.


આ નિવેદનમાં તેમણે નઝમ સેઠીને પણ ધન્યવાદ કહ્યા હતા અને કહ્યું હતું કે, કેરિયરના મુશ્કેલ સમયમાં મદદ કરવા માટે આભાર. માનવામાં આવી રહ્યું છે કે, રમીઝ રાજાના રાજીનામા બાદ નઝમ સેઠી ફરી પીસીબીના ચેરમેન બની શકે છે.


PCB પ્રમુખ રમીઝ રાજાની ખુરશી પર સંકટ
પાકિસ્તાનમાં આ સમયે રાજનીતિક અસ્થિરતા છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગઈ છે. જે બાદ પાકિસ્તાનમાં હવે ઘણા મોટા બદલાવ થઈ શકે છે. દેશમાં થનારા બદલાવની આશંકા વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના માળખામાં અને પાકિસ્તાન ક્રિકેટમાં પણ મોટા ફેરફાર થઈ શકે છે.


ખુરશી છોડી શકે છે રમીઝ રાજાઃ
Geoના એક અહેવાલ પ્રમાણે ઈમરાન ખાનની સરકાર ગયા બાદ હવે પાકિસ્તાન ક્રિકેટના પ્રમુખ રમીઝ રાજા પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. અત્યારે રમીઝ રાજા આઈસીસીની મિટિંગ માટે દુબઈ ગયેલા છે. આ મિટિંમાં રમીઝ ચાર દેશોની સુપર સીરીઝનો પ્રસ્તાવ મુકશે. આ સીરીઝ ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ શકે છે.