Most Century In IND vs PAK ODI: ભારત અને પાકિસ્તાનની ટીમો રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સામસામે ટકરાશે. મોહમ્મદ રિઝવાનની કેપ્ટનશીપ હેઠળની પાકિસ્તાન માટે આ મેચ કરો યા મરો જેવી છે. જો પાકિસ્તાન ભારત સામે હારી જાય છે તો તે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી લગભગ બહાર ફેંકાઇ જશે. ભારતીય ટીમ પોતાનો વિજય રથ આગળ વધારવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતે પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવી હતી. જો કે, ક્રિકેટ ચાહકોની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વોલ્ટેજ મેચ પર છે, પરંતુ શું તમે જાણો છો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વનડે ફોર્મેટમાં કયા બેટ્સમેને સૌથી વધુ સદીઓ ફટકારી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં સલમાન બટ ટોપ પર છે. સલમાન બટે ભારત સામે 21 વનડેમાં 5 સદી ફટકારી છે. ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે 69 મેચમાં પાંચ સદી ફટકારી છે. ઓલરાઉન્ડર શોએબ મલિકે ભારત સામે 42 મેચોમાં 4 સદીઓ ફટકારી છે. આ સિવાય સઈદ અનવર અને ઇન્ઝમામ-ઉલ-હકે 4-4 સદી ફટકારી છે. જ્યારે નાસિર જમશેદ, ઝહીર અબ્બાસ, વિરાટ કોહલી. જાવેદ મિયાંદાદ અને યુનિસ ખાને 3-3 સદી ફટકારી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વન-ડે મેચમાં સૌથી વધુ સદી ફટકારનાર અન્ય બેટ્સમેનોની વાત કરીએ તો રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની, નવજોતસિંહ સિદ્ધુ, વિરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી, એઝાઝ અહમદ, સલીમ મલિક, રાહુલ દ્રવિડ, મોહમ્મદ અઝરુદ્દી અને શાહિદ આફ્રિદીએ બે-બે સદી ફટકારી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની બંન્ને વચ્ચેની મેચ દુબઇમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર, બપોરે અઢી વાગ્યે શરૂ થશે.
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પ્રથમ મેચમાં મેળવ્યો વિજય
ભારતીય ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર શરૂઆત કરી છે. આજે દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 228 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 21 બોલ બાકી રહેતા 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતની આ જીતના મુખ્ય હીરો શુભમન ગિલ રહ્યા હતા, જેમણે અણનમ 101 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે બોલિંગમાં મોહમ્મદ શમીએ બાંગ્લાદેશના બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરીને પાંચ વિકેટ ઝડપી હતી.