અમદાવાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન અને ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યુ હતું. જે બાદ ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમ સરદાર પટેલનું નામ બદલીને ભારતના પ્રધાનમંત્રી મોદીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. હવેથી આ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે.


આ જાહેરાત બાદ કોંગ્રેસ, પાસના નેતાઓએ વિરોધ કરવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજ્જુએ સ્પષ્ટતા કરવી પડી છે.

સ્ટેડિયમનું નામ બદલવા અંગે કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે, ફક્ત સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે જ્યારે સમગ્ર પરિસરનું નામ હજી દેશના પ્રથમ ગૃહ પ્રધાનના નામ પર છે. તેમણે કહ્યું, "કેમ્પસનું નામ હજી દેશના પહેલા ગૃહ પ્રધાન સરદાર પટેલના નામ પર છે." ફક્ત સ્ટેડિયમનું નામ બદલાયું છે.



સ્ટેડિયમની વિશેષતા

મોટેરા વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં 1 લાખ 10 હજાર દર્શકોની બેસવાની ક્ષમતા છે.

આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે.

તેમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રેક્ટિસ માટેની સુવિધાઓ છે.

અહીંની ડ્રેનેજ સિસ્ટમ એટલી આધુનિક છે કે વરસાદ બંધ થયાના અડધા કલાક પછી જ મેચ શરૂ થઈ શકે છે.

દેશનું આ પહેલું સ્ટેડિયમ છે જ્યાં ખાસ એલઇડી લાઇટ્સ પણ લગાવવામાં આવી છે.