Dhoni on his future cricket: ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના ક્રિકેટ કરિયરને લઇને એક નિવેદન આપ્યું છે. ધોનીએ શનિવારે ચેન્નઇમાં એક ઇવેન્ટ દરમિયાન કહ્યું કે  તેણે હજુ સુધી નિર્ણય કર્યો નથી કે તે આઇપીએલ 2022માં રમશે કે નહીં. હાલમાં આઇપીએલ માટે ઘણો સમય છે એટલા માટે તેને નિર્ણય લેવામાં કોઇ ઉતાવળ કરવાની જરૂર નથી.






ધોનીએ કહ્યું કે હાલમાં નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે. આઇપીએલ એપ્રિલ 2022માં યોજાવાની છે. તો મારી પાસે આ અંગે વિચાર કરવા માટે ઘણો સમય બાકી છે. આ અગાઉ ચેન્નઇ સુપર કિગ્સનો સાથ છોડવા અંગેનો પણ વિચાર કરી ચૂક્યા છે. આઇપીએલ 2021 બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે આપણે જોવું પડશે કે સીએસકે માટે શું સારુ છે. ક્લબમાં મારું રહેવું કે ના રહેવું એટલું મહત્વનું નથી. જરૂરી એ છે કે ફ્રેન્ચાઇઝી મુશ્કેલીમાં ના પડે.


સીએસકેના માલિક અને બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસને એક મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે એમએસ ધોની એક નિષ્પક્ષ વ્યક્તિ છે. તે નથી ઇચ્છતા કે ટીમ તેને રિટેન કરે. શ્રીનિવાસને કહ્યું હતું કે ધોની ઇચ્છતો નથી કે ટીમ તેના માટે આટલા રૂપિયા ખર્ચ કરે.


ટી-20 વર્લ્ડકપ 2021 માટે બીસીસીઆઇએ એમએસ ધોનીને ટીમના મેન્ટર બનાવ્યો હતો. કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીની સાથે ધોની પાસે ક્રિકેટ પ્રેમીઓને ખૂબ આશાઓ હતી પરંતુ વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજમાંથી જ ટીમ ઇન્ડિયા બહાર થઇ ગઇ હતી.