નવી દિલ્હીઃ દુનિયાના બેસ્ટ ક્રિકેટરોમાં સામેલ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી. સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ લખીને તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ, ધોનીના આ અચાનકના નિર્ણયથી ફેન્સ અને ક્રિકેટ જગત ભાવુક થઇ ગયુ હતુ.


ધોનીના સન્યાસ બાદ ફેન્સ વર્ષ 2011 વર્લ્ડકપ મેચની ફાઇનલમાં ધોની દ્વારા ફટકારવામાં આવેલી વિનિંગ સિક્સનો વીડિયો ખુબ વાયરલ કર્યો, હવે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં તે સ્થાન પર ધોનીને પરમેનન્ટ સીટ આપવામાં આવી શકે છે, જ્યાં તેની વિનિંગ સિક્સ લેન્ડ થઇ હતી.

મુંબઇ ક્રિકેટ એસોશિએશન (એમસીએ) એપેક્સ કાઉન્સિલના સભ્ય અંજિક્ય નાઇકને સોમવારે પ્રસ્તાવની સાથે એમસીએને એક પત્ર લખ્યો. પત્રમમાં કહેવામાં આવ્યુ કે મહેન્દ્ર સિંહ ધોની માટે કૃતજ્ઞતા અને ટ્રિબ્યૂટ તરીકે એમસીએ તેના નામ પર એક સ્થાયી સીટ સમર્પિત કરી શકે છે, જ્યાં તેની ફેમસ વર્લ્ડકપ વિજેતા સિક્સ લેન્ડ થઇ હતી. નાઇકે કહ્યું કે અમે જગ્યાને શોધી લઇશુ જ્યાં બૉલ લેન્ડ થયો હતો.



આવુ પહેલીવાર છે જ્યારે ભારતમાં કોઇ ખેલાડીના નામ પર સ્ટેડિયમમાં એક સ્પેશિફિક સીટ માટે એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, ના કે આખા સ્ટેન્ડ માટે.



ત્રણ આઇસીસી ટ્રૉફી જીતનારો એકમાત્ર કેપ્ટન છે ધોની.....
કેપ્ટન કૂલ ધોનીની ક્રિકેટ કેરિયર....
દુનિયા સૌથી સફળ કેપ્ટન પૈકી એક ધોનીએ 500થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે, ધોની ભારતને ન માત્ર ટી20 વર્લ્ડકપ, પણ 28 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન પણ બનાવ્યું, સાથે ટેસ્ટ ક્રિકેટમાં પણ ટીમ ઈન્ડિયાને પહેલીવાર નંબર 1 બનાવવાનો શ્રેય પણ ધોનીને જાય છે.

ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.

ધોની વર્ષ 2006થી 2010ની વચ્ચે 656 દિવસ સુધી આઇસીસી પુરુષ વનડે રેન્કિંગમાં ટૉપ પર રહેનારો બેટ્સમેન રહી ચૂક્યો છે. તેને 2008 અને 2009માં આઇસીસીનો વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો હતો.