Hardik Pandya's Captaincy Condition: IPL 2024 પહેલા જ એક મોટા સમાચાર સામે આવ્યા અને બધા ચોંકી ગયા, આઇપીએલ 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટો ફેરફાર કરીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. લોકોની નજરમાં આ નિર્ણય ભલે રાતોરાત થઈ ગયો હોય, પરંતુ અંદરનું સત્ય અલગ છે. હાર્દિકને કેપ્ટન બનાવવાની યોજના જૂની હતી. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હાર્દિક પંડ્યા કેપ્ટનશીપની શરતે જ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો હતો. મુંબઈ પરત ફરતા પહેલા હાર્દિક ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો.


'ઈન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરતી વખતે શરત મૂકી હતી કે જ્યારે તેને ટીમની કમાન સોંપવામાં આવશે ત્યારે જ તે MIમાં આવશે.


વસ્તુઓ યોજના મુજબ થઈ. પહેલા હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સમાં પુનરાગમન કર્યું અને પછી ગયા શુક્રવારે (15 ડિસેમ્બર) તેને ઓફિશિયલી રીતે રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો, પરંતુ લોકોને બતાવવામાં આવ્યું કે આ નિર્ણય તરત જ લેવામાં આવ્યો છે.


હાર્દિકે મુંબઇથી કરી હતી શરૂઆત, બે વર્ષ રહ્યો ગુજરાતનો કેપ્ટન 
હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તે 2021 સુધી મુંબઈનો ભાગ રહ્યો. પરંતુ 2022ની મેગા ઓક્શનમાં તેને ગુજરાત ટાઇટન્સે ખરીદીને કેપ્ટન બનાવ્યો હતો. હાર્દિકે તેની કપ્તાની હેઠળ ગુજરાતને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતું અને પછી બીજી સિઝનમાં હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ રનર અપ બની હતી.


અત્યાર સુધી આવી રહી હાર્દિક પંડ્યાની આઇપીએલ કેરિયર 
હાર્દિકે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 123 IPL મેચ રમી છે. આ મેચોની 115 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 30.38ની એવરેજ અને 145.86ની સ્ટ્રાઇક રેટથી 2309 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 10 અડધી સદી ફટકારી છે. આ સિવાય તેણે 81 ઇનિંગ્સમાં બોલિંગ કરતા 33.26ની એવરેજથી 53 વિકેટ લીધી છે.


રોહિત શર્માનો આઈપીએલ રેકોર્ડ


રોહિત શર્માએ આઈપીએલમાં અત્યાર સુધી કુલ 158 મેચોમાં કેપ્ટનશીપ કરી છે. આ દરમિયાન તેમના નેતૃત્વમાં ટીમે 87 મેચ જીતી છે. આ સાથે જ રોહિતને કેપ્ટન તરીકે 67 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોહિતની જીતની ટકાવારી 55.06 રહી છે. રોહિત તેની કેપ્ટનશિપમાં પાંચ વખત મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન પણ બનાવી ચૂક્યો છે.


હાર્દિક પંડ્યાનો આઈપીએલ રેકોર્ડ


IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સે ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપી છે. કેપ્ટન તરીકે છેલ્લી બે સીઝન હાર્દિક માટે શાનદાર રહી છે. હાર્દિકે સુકાનીપદમાં પદાર્પણ કરતા જ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. આ સાથે જ ગત સિઝનમાં પણ તેની કેપ્ટનશીપમાં ગુજરાત ફાઇનલમાં પહોંચ્યું હતું. હાર્દિકે આઈપીએલમાં કુલ 31 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી તેણે 22માં જીત મેળવી છે અને કેપ્ટન તરીકે માત્ર 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટનશિપમાં હાર્દિકની જીતની ટકાવારી 70.97 રહી છે.


શ્રેષ્ઠ કેપ્ટન કોણ છે, રોહિત કે હાર્દિક?


રોહિત શર્માની સરખામણીમાં હાર્દિકે IPLમાં બહુ ઓછી મેચોમાં કેપ્ટનશિપ કરી છે. આવી સ્થિતિમાં તેની હિટમેન સાથે સરખામણી કરવી યોગ્ય નથી. જોકે, કેપ્ટન તરીકે હાર્દિક આ લીગમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કરે છે.  મેચ દરમિયાન હાર્દિકે પોતાની સમજણથી ખૂબ જ સારી રીતે રમત રમી છે. IPLમાં રોહિતની કેપ્ટનશીપમાં રમીને હાર્દિક કેપ્ટન બનવા લાયક બન્યો છે. હાર્દિકે રોહિત અને ધોની પાસેથી કેપ્ટનશિપના ઘણા ગુણો શીખ્યા છે, જે તેની કેપ્ટનશિપમાં સ્પષ્ટ દેખાય છે.